Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

૮૬ આંતરરાષ્ટ્રીય, ૩૫૦ સ્‍થાનિક, કુલ ૪૫૦૦ મુસાફરોઃ જામનગર એરપોર્ટના તમામ રેકોર્ડ તૂટી ગયા

૧૬૪ વિદેશી પ્રવાસીઓ જામનગર પહોંચ્‍યા

નવી દિલ્‍હી,તા. ૪: દેશના સૌથી ધનાઢ્‍ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટની પ્રી-વેડિંગ સેરેમની ચર્ચામાં છે. ગુજરાતના જામનગરમાં આ ત્રિ-દિવસીય સમારોહમાં રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્‍તરની પ્રખ્‍યાત હસ્‍તીઓએ ભાગ લીધો હતો. આવી સ્‍થિતિમાં જામગર એરપોર્ટ પર મુસાફરોની અવરજવરમાં ભારે વધારો થયો છે.

આવી સ્‍થિતિમાં જામનગર એરપોર્ટના ડાયરેક્‍ટર ડી.કે.સિંઘે જણાવ્‍યું હતું કે ૨૬ ફેબ્રુઆરીથી ૩ માર્ચ સુધીમાં જામનગર એરપોર્ટ પર કુલ ૪૫૦૦ મુસાફરોની અવરજવર હતી. આ સમયગાળા દરમિયાન ૩૫૦ ડોમેસ્‍ટિક અને ૮૬ ઇન્‍ટરનેશનલ ફલાઇટ્‍સની અવરજવર હતી. આ દિવસોમાં અત્‍યાર સુધીમાં ૧૬૪ વિદેશી પ્રવાસીઓ જામનગર પહોંચ્‍યા છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (AAI) એ જામનગર એરપોર્ટ પર ૨૬ ફેબ્રુઆરીથી ૬ માર્ચ દરમિયાન આંતરરાષ્ટ્રીય ફલાઈટ્‍સનું સંચાલન કરવાની મંજૂરી આપી હતી.

ગુજરાતનું જામનગર એરપોર્ટ એક નાનું એરપોર્ટ છે. પરંતુ અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પહેલાના સમારોહને કારણે, AAIએ આ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફલાઇટ્‍સનું સંચાલન કરવાની મંજૂરી આપી હતી.

રિપોર્ટ અનુસાર જામનગર એરપોર્ટ ઓથોરિટીના જણાવ્‍યા અનુસાર સામાન્‍ય રીતે આ એરપોર્ટ પર દિવસમાં માત્ર ત્રણ ફલાઈટની અવરજવર રહે છે. આ સિવાય રિલાયન્‍સની પાંચ ફલાઈટ્‍સ છે. પરંતુ લગ્ન પહેલાના સમારોહના કારણે ૧ માર્ચના રોજ જામનગર એરપોર્ટ પર ફલાઈટની અવરજવરના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. ૧ માર્ચના રોજ જામનગર એરપોર્ટ પર ૧૬૦ ફલાઈટ્‍સની અવરજવર હતી, જેમાંથી ૩૦ ફલાઈટ્‍સ ઈન્‍ટરનેશનલ હતી.

(10:33 am IST)