Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

પ્રિયંકા ગાંધી રાયબરેલીથી નહીં, દમણ અને દીવ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે

દીવના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કેતન પટેલે કર્યો દાવો :જો આ બેઠક પરથી પ્રિયંકા ગાંધી કોંગ્રેસનો ચહેરો બને છે તો તેની અસર માત્ર દમણ દીવ જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકો પર પડી શકે છેઃ આ ઉપરાંત દીવના કારણે સૌરાષ્ટ્રની સમગ્ર લોકસભા બેઠકો પ્રભાવિત થઈ શકે છે

દીવ,તા.૪: લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્‍ચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. પરંતુ હવે તે દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે તેવી વાત સામે આવી રહી છે. આ દાવો કોંગ્રેસના દમણ દીવ યુનિટના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે કર્યો છે.

દમણ દીવમાં ભાજપની હાજરીની વાત કરીએ તો ભાજપે સતત ચોથી વખત દમણ દીવ લોકસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલના નામની જાહેરાત કરી છે. આવી સ્‍થિતિમાં કોંગ્રેસ પોતાના સૌથી મોટા ચહેરા પ્રિયંકા ગાંધીને પણ આ બેઠક પરથી ઉતારી શકે છે.

કેતન પટેલે શું કહ્યું દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે જણાવ્‍યું હતું કે,‘એ વાત સાચી છે કે પ્રિયંકા ગાંધી દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ અંગે કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્‍તરે પણ ચર્ચા ચાલી રહી છે. આ બેઠક પરથી પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવાનું ગણિત ઘડવામાં આવ્‍યું છે. તમામ સમીકરણોને ધ્‍યાનમાં રાખીને પ્રિયંકા ગાંધીને આ નાના કેન્‍દ્રશાસિત પ્રદેશમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

કેતન પટેલે દાવો કર્યો હતો કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્‍વએ પ્રિયંકા ગાંધીને દમણ દીવ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવા માટે તેમનો અભિપ્રાય માંગ્‍યો હતો. જો આ બેઠક પરથી પ્રિયંકા ગાંધી કોંગ્રેસનો ચહેરો બને છે તો તેની અસર માત્ર દમણ દીવ જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકો પર પડી શકે છે. આ ઉપરાંત દીવના કારણે સૌરાષ્ટ્રની સમગ્ર લોકસભા બેઠકો પ્રભાવિત થઈ શકે છે. દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના આ દાવા બાદ આ નાના વિસ્‍તારના રાજકારણમાં હલચલ મચી ગઈ છે.

વાસ્‍તવમાં અત્‍યાર સુધી સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. સૌપ્રથમ સોનિયાએ ૧૯૯૯માં અમેઠીથી ચૂંટણી લડી હતી, આ તે સમય હતો જયારે સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્‍યક્ષ હતા. આ પછી, તેઓ ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯ માં રાયબરેલીથી ચૂંટણી જીત્‍યા. જો કે, ૨૦૧૯ માં સોનિયા ગાંધીએ સ્‍પષ્ટ કર્યું હતું કે તે વર્ષ તેમની છેલ્લી લોકસભા ચૂંટણી હશે. થોડા દિવસ પહેલા જ સોનિયા ગાંધીને રાજસ્‍થાનથી રાજયસભામાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. રાજસ્‍થાનથી સોનિયાને રાજયસભામાં મોકલ્‍યા બાદ પ્રિયંકા પણ દમણ દીવથી લોકસભાની ચૂંટણી લડે છે તો અહીંથી કોને ટિકિટ આપવામાં આવશે તે જોવા માટે સૌની નજર રાયબરેલી બેઠક પર છે.

(11:30 am IST)