Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

કાનપુરના વૈભવ ગુપ્‍તાએ જીત્‍યો ‘ઇન્‍ડિયન આઈડલ ૧૪'નો તાજ

ઈન્‍ડિયન આઈડલ ૧૪ વિજેતાઃ ચમકતી ટ્રોફી સાથે તેને ૨૫ લાખ રૂપિયાનો ચેક અને ઈનામ તરીકે ‘હોટ એન્‍ડ ટેકી' બ્રેઝા કાર આપવામાં આવી : સોનુ નિગમ આ ગ્રાન્‍ડ ફિનાલેના સ્‍પેશિયલ જજ હતા

મુંબઇ,તા. ૪: લોકપ્રિય ટીવી શો ‘ઇન્‍ડિયન આઇડલ ૧૪'નો ગ્રાન્‍ડ ફિનાલે રવિવારે રાત્રે યોજાયો હતો. આમાં વિજેતાનો તાજ કાનપુરના વૈભવ ગુપ્તાના શિરે રાખવામાં આવ્‍યો છે. કાનપુરના વૈભવ ગુપ્તાને ઈન્‍ડિયન આઈડલ ૧૪ની ચમકતી ટ્રોફી મળી છે. આ સાથે તેને ૨૫ લાખ રૂપિયાનો ચેક અને ઈનામ તરીકે ‘હોટ એન્‍ડ ટેકી' બ્રેઝા કાર આપવામાં આવી છે. વૈભવ પણ આદ્યા મિશ્રા, અનન્‍યા પાલ, પિયુષ પંવાર, સુભદીપ દાસ, અંજના પદ્મનાભન સાથે ટોચના પાંચ સ્‍પર્ધકોમાં હતો અને શોના વિજેતા તરીકે ઉભરી આવ્‍યો હતો.

શુભદીપ અને પિયુષને શોમાં ફર્સ્‍ટ અને સેકન્‍ડ રનર્સ અપ જાહેર કરવામાં આવ્‍યા હતા. તેને ટ્રોફી સાથે ૫ લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્‍યો છે. જયારે અનન્‍યા આ શોની ત્રીજી રનર અપ હતી. ટ્રોફી ઉપરાંત તેને ૩ લાખ રૂપિયાનું ઇનામ મળ્‍યું હતું.

સોનુ નિગમ આ ગ્રાન્‍ડ ફિનાલેના સ્‍પેશિયલ જજ હતા. તેના સિવાય નેહા કક્કર, જે રિયાલિટી શો ‘સુપરસ્‍ટાર સિંગર'ની આગામી સિઝનમાં ‘સુપર જજ' તરીકે જોવા મળશે, તેણે પણ ફિનાલે એપિસોડમાં ભાગ લીધો હતો. ‘પ્‍યારેલાલ સિમ્‍ફની' ચેલેન્‍જ માટે, વૈભવે ૧૯૯૧ના એક્‍શન ક્રાઈમ ડ્રામા ‘હમ'માંથી ‘જુમ્‍મા ચુમ્‍મા' ગાયું, જેમાં અમિતાભ બચ્‍ચન, રજનીકાંત, ગોવિંદા, કિમી કાટકર અને અનુપમ ખેર અભિનિત હતા. ફિનાલે માટે, વૈભવે સોનુ નિગમ સાથે છેલ્લું ગીત ‘જોરૂ કા ગુલામ' ગાયું હતું.

વિજેતાની જાહેરાત સોનુ નિગમે કરી હતી. શો જીત્‍યા બાદ વૈભવે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, ‘હું ખૂબ જ ખુશ છું અને આ ખુશીની લાગણી વ્‍યક્‍ત કરવા માટે કોઈ શબ્‍દો નથી. હવે હું ફિલ્‍મો માટે ગાવા માંગુ છું. સલમાન અને રણવીર મારા પ્રિય અભિનેતા છે. મારું સ્‍વપ્‍ન તેમના માટે પ્‍લેબેક સિંગિંગ કરવાનું છે.

(10:30 am IST)