Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ન્યુઝીલેન્ડમાં ફરી 7.1ની તીવ્રતાનો મહા ભયાનક ભૂકંપ : 300 કિ.મી. વિસ્તારમાં સુનામીની ચેતવણી

ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં 10 કિલોમીટરની ઉંડાઈ પર :લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા કહેવાયું : ઇમરજન્સી એજન્સીઓને હાઈ એલર્ટ પર રખાઈ

પેસિફિક મહાસાગરનાં રિંગ ઓફ ફાયરમાં સ્થિત ન્યુંઝીલેન્ડ ફરી એક શક્તિશાળી ભૂકંપના આંચકાથી ધ્રુજી ગયું છે. રિક્ટર સ્કેલ પર આ ધરતીકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે. યુએસ જિયોલોજીકલ સર્વેએ શરૂઆતમાં આ ધરતીકંપની 7.3 તીવ્રતાનું અનુમાન લગાવ્યું હતુ, ત્યારબાદ તેને ઘટાડીને 6.9 કરી દીધું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં 10 કિલોમીટરની ઉંડાઈ પર હતું.

પીટીડબ્લ્યુસીએ જણાવ્યું હતું કે ભૂકંપના કેન્દ્રનાં 300 કિ.મી.ની અંદર સુનામી લહેરો શક્ય છે. ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં એલર્ટ જારી કરવામાં આવી છે.

ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. ન્યુઝીલેન્ડની ઇમરજન્સી એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે

10 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડમાં પણ એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેના કારણે આસપાસના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. જો કે, આ ચેતવણી થોડા સમય પછી પાછી ખેંચી લેવામાં આવી હતી. યુએસ જિયોલોજીકલ સર્વેએ રિપોર્ટ આપ્યો છે કે આ ભૂકંપનું કેન્દ્ર ન્યું કેલેડોનીયામાં વાઓથી પૂર્વમાં લગભગ 415 કિલોમીટર (258 માઇલ) સ્થિત હતું.

ન્યું ઝિલેન્ડ ભૂકંપ પ્રભાવિત ઝોનમાં આવે છે. પેસિફિક મહાસાગરમાં ઘણા જ્વાળામુખી ફાટવાનાં કારણે અને ટેક્ટોનિક પ્લેટોનાં ખસવાનાં કારણે આ વિસ્તાર ભૂકંપથી સતત પ્રભાવિત રહે છે. ફિજી, ન્યુંઝીલેન્ડ, વાનુઅતુ, ઓસ્ટ્રેલિયા, કૂક આઇલેન્ડ્સ અને અમેરિકન સમોઆ સહિતના ઘણા દેશો છે, જે લગભગ દરરોજ ઘણા નાના-મોટા ભુકંપના આંચકાઓનો સામનો કરે છે

(11:16 pm IST)