Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ઓશો સમાધિ વેચવાની હિલચાલ સામે આક્રોશ

ઓશો પ્રેમીઓ માટે તીર્થ સમાન સમાધિ સ્થાન અંગે ત્રણ વિદેશી સન્યાસીઓ : દ્વારા શંકાસ્પદ કાર્યવાહી : ઓશોની બૌધ્ધિક સંપદા પણ વેરવિખેર : ઓશો પ્રેમીઓ - સન્યાસીઓ દિવ્ય વારસો બચાવવા પત્ર ફોન ઝુંબેશમાં સહયોગ આપે તેવી માં યોગ નિવેદિતાજીની અપીલ

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે માં યોગ નિવેદિતાજી તથા સ્વામી સત્યપ્રકાશજી નજરે પડે છે.

રાજકોટ તા. ૪ : કરોડો ઓશો પ્રેમીઓના આસ્થાના સ્થાન પુના ઓશો આશ્રમના અમુક ભાગ વેચી મારવાની વિદેશી ટોળકીની હિલચાલ સામે ઓશો મિત્રો - ઓશોપ્રેમીઓ તથા સન્યાસીઓમાં તીવ્ર આક્રોશ ફેલાયો છે.

આ અમૂલ્ય - દિવ્ય વારસો બચાવવા રાજકોટથી મહાઅભિયાનનો પ્રારંભ થયો છે. માં યોગ નિવેદિતાજી અને સ્વામી સત્યપ્રકાશજી 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ત્રણ વિદેશીઓ દ્વારા અણમોલ આધ્યાત્મિક ઉર્જા સમાન સ્થાનને વેચી નાખવાની હિલચાલ આઘાત સમાન છે.

આ હિલચાલ સામે 'ઓશો સમાધિ અને ઓશો આશ્રમ બચાવો' અભિયાન શરૂ કરાયું છે, જેમાં દુનિયાભરના ઓશોપ્રેમીઓનો સહયોગ મળી રહ્યો છે.

માં યોગ નિવેદિતાજી અને સત્યપ્રકાશજીએ જણાવ્યું હતું કે, ઓશો ફાઉન્ડેશન ઇન્ટરનેશનલના ટ્રસ્ટીઓ દ્વારા મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ ચેરિટી કમિશન - મુંબઇને અરજી આપવામાં આવી છે.

ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અને નીઓ સન્યાસ ફાઉન્ડેશન (જે પહેલા રજનીશ ફાઉન્ડેશન તરીકે ઓળખાતું હતું) આ ટ્રસ્ટ દ્વારા ઓશો આશ્રમ - પુનાના વિભાગો વેચવા પરમીશન માંગવામાં આવી છે.

માં યોગ નિવેદિતાજી તથા સત્યપ્રકાશજી કહે છે કે, અમારા ગુરૂ ઓશો એટલે કે ભગવાન રજનીશનો દૈવી વારસો બચાવવા કટીબધ્ધ છીએ. વર્તમાન ટ્રસ્ટીઓ ઓશો સમાધિ તથા ટ્રસ્ટની દૈનિક આવક અને ઓશો સંપત્તિના હક્કો પોતાના અંગત ખાતામાં નાખવા ઇચ્છે છે. ઓશો આશ્રમ - પુના જે ઓશો કોમ્યુન ઇન્ટરનેશનલ તરીકે ઓળખાય છે તે ઓશોના શિષ્યો અને મિત્રો દ્વારા ૪૫ વર્ષ પૂર્વે બાંધવામાં આવ્યો છે. ઓશો કોમ્યુન ઇન્ટરનેશનલનું મેનેજમેન્ટ ઉપરોકત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જેને વેચાણ કરવાનો અધિકાર નથી.

માં યોગ નિવેદિતાજી અને સત્યપ્રકાશજીએ આગળ જણાવ્યું હતું કે, પુણેના કોરોગાંવ પાર્ક ખાતે પોશ વિસ્તારમાં ઓશો સમાધિ અને મેડિટેશન સેન્ટર આવેલા છે. ઓશોનું આ આંતરરાષ્ટ્રીય હેડ કવાર્ટર છે. દુનિયાભરના ઓશો પ્રેમીઓને આ સ્થાન આકર્ષે છે. વિદેશી હુંડિયામણ પણ રળી આપતું આ દિવ્ય સ્થાન વેચી મારવાની પરવાનગી વિદેશી લોકોએ માંગી છે. ટ્રસ્ટીઓ પણ અમુક વિદેશીઓના દબાણ હેઠળ સંપત્તિનો દુરૂપયોગ કરે છે. ટ્રસ્ટના નામે ફેરની કાર્યવાહી પણ આ હિલચાલનો ભાગ છે.

માં યોગ નિવેદિતાજી તથા સત્યપ્રકાશજીએ જણાવ્યું હતું કે, અમૂલ્ય - દિવ્ય વારસાને બચાવવા ઓશો પ્રેમીઓ - મિત્રો - સન્યાસીઓએ ઝુંબેશ આદરી છે.(૨૧.૧૭)

મહિલા દિને ઓશો પ્રેમીઓની મિટીંગ

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ઓશો મિત્રો - પ્રેમીઓ - સન્યાસીઓ ઉમટશે

રાજકોટ, તા.૧૮: ઓસો સમાધિ સ્થાન તથા બૌધ્ધિક સંપ્રદા બચાવવાના હેતુથી રાજકોટમાં સત્યપ્રકાશ ધ્યાન મંદિરે મહિલા દિને મીટિંગ રાખવામાં આવી છે.

'ઓશો સમાધિ અને ઓશો આશ્રમ બચાવો'ના સંદર્ભમાં રાજકોટમાં તા.૮-૩-૨૧ને સોમવાર - વિશ્વ મહિલા દિવસના રોજ સાંજે ૬ વાગ્યે, ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર - ગોંડલ રોડ - વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, ડીમાર્ટની પાછળની શેરી, રાજકોટ પર ઓશોના જુના સંન્યાસીની ઓશો સાથે રહેલા  માં યોગ નિવેદીતાજી (રમાબેન કામદાર)ના સાનિધ્યમાં ઓશો સન્યાસી તથા પ્રેમીઓની એક મીટીંગનું આયોજન સ્વામી સત્ય પ્રકાશે સરકારી ગાઇડ લાઇન પ્રમાણે કરેલ છે. મિટીંગમાં સહભાગી થવામાં યોગ નિર્વેદીતાજી તથા સ્વામી સત્ય પ્રકાશે ઓશો સન્યાસી તથા પ્રેમીઓને હાર્દિક અનુરોધ કરેલ છે. મિટિંગના સ્થળે છાપેલા લેટર તૈયાર રાખવામાં આવશે. જેમાં આવેલા મીત્રોએ એડ્રેસ, મો.નં સાથે સહી કરવાની રહેશે. રજીસ્ટર એ.ડી.થી તથા સ્પીડ પોસ્ટથી મોકલવાની વ્યવસ્થા આયોજક કરશે.

માં યોગ નિવેદીતાજી : ૯૪૨૮૨ ૯૫૯૨૩

સ્વામી સત્યપ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬

સંજીવ રાઠોડઃ ૯૮૨૪૮ ૮૬૦૭૦

મનોજ પરમારઃ ૯૪૨૯૫ ૬૩૦૯૧

(4:05 pm IST)