Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

તાજમહેલને બોમ્‍બથી ફુંકી મારવાની ધમકી : પર્યટકોને બહાર કાઢી દરવાજા બંધ કરાયા

એક વ્‍યકિતની ધરપકડઃ નોકરી ન મળવાના કારણે પરેશાન હતો યુવક : ફેક કોલના કારણે અફડાતફડી મચી

આગ્રા તા. ૪ : યુપીના આગ્રામાં આવેલા તાજમહેલમાં બોમ્‍બ રાખવાની ધમકીભર્યા કોલ બાદ અફડાતફડી મચી ગઇ છે. જો કે બોમ્‍બના અહેવાલ ખોટા સાબિત થયા હતા. પર્યટકોને બહાર કાઢવામાં આવ્‍યા હતા અને દરવાજા બંધ કરવામાં આવ્‍યા હતા. સર્ચ અભિયાન બાદ તાજ મહેલના દરવાજા ફરી ખોલવામાં આવ્‍યા છે.  બોમ્‍બના સમાચાર મળતાની સાથે જ સીઆઇએસએફે તાજ મહલમાંથી અચાનક પર્યટકોને બહાર કાઢયા હતા. તે અંગે પર્યટકો અને સીઆઇએસએફ વચ્‍ચે નોકજોક પણ થઇ. જાણવા મળી રહ્યું છે કે કોઇએ પોલીસને બોમ્‍બ હોવાની માહિતી આપી હતી. ત્‍યારબાદ પોલીસના અધિકારીઓ તાજ મહેલની બહાર પહોંચ્‍યા અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું.

તાજમહેલ પરિસરમાંસર્ચ અભિયાન પણ ચલાવવામાં આવ્‍યું. જો કે સર્ચ અભિયાનમાં બોમ્‍બ મળ્‍યો નહીં. પોલીસના જણાવ્‍યાં મુજબ આરોપી યુવકની ફિરોઝાબાદથી ધરપકડ કરાઈ છે.

આ મામલે આગ્રા એસપીએ જણાવ્‍યું કે આ એક ફેક કોલ હતો. સઘન તપાસ બાદ પર્યટકો માટે તાજમહેલના બંને ગેટ ફરી ખોલી નાખવામાં આવ્‍યા છે. કોલ કરનારો યુવક ફિરોઝાબાદથી પકડાયો છે. નોકરી ન મળવાના કારણે તે પરેશાન હતો. અત્રે જણાવવાનું કે અજ્ઞાત વ્‍યક્‍તિ દ્વારા ૧૧૨ પર તાજમહેલમાં બોમ્‍બ હોવાની સૂચના અપાઈ હતી. ADG આગ્રા ઝોન રાજીવ કૃષ્‍ણાએ આ અંગે પુષ્ટિ કરી હતી. સુરક્ષા કારણોસર પર્યટકોનોતાજમહેલમાં પ્રવેશ બંધ કરી દેવાયો હતો. તાજમહેલ સંપૂર્ણ ખાલી કરાવી દેવાયો હતો.

(3:25 pm IST)