Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ચાર મહિલા પોલીસ કર્મીઓની વીરતાની કહાણી હવે ફિલ્મી પડદે

ATSના સૌથી ખતરનાક મિશનને પાર પાડનારી મહિલા ટીમ પરથી બનશે ફિલ્મઃ ડિરેકટર આશિષ આર મોહનના ડિરેકશનમાં બની રહેલી ફિલ્મનું ટૂંક સમયમાં શરુ થશે શૂટિંગ

મુંબઇ, તા.૪: બોલિવુડમાં અત્યારસુધીમાં પોલીસ પરથી જેટલી પણ ફિલ્મો બની તે તમામ પર પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે. જો કે, આ વખતે મહિલાઓ પુરુષના વર્ચસ્વને તોડવા માટે તૈયાર છે. મહિલાઓની વીરતાની કહાણીઓમાંથી એક મોટી સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. જેના પરથી ફિલ્મ બનવાની છે તે ઘટના ૨૦૧૯ની છે જયારે એન્ટી-ટેરરિઝમ સ્કવોડની મહિલા ટીમે ગુજરાતના સૌથી ખુંખાર ગુનેગારોમાંથી એકને પકડી પાડ્યો હતો. આ ATSના સૌથી ખતરનાક મિશનમાંથી એક હતું. અલગ-અલગ બેકગ્રાઉન્ડ ધરાવતા, સંતોક ઓડેદરા, નિત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા માલ-એમ ચાર મહિલા પોલીસકર્મીઓએ પોતાની જાતને જોખમમાં મૂકીને મિશનને સફળતાપૂર્વક પૂરુ પાડ્યું હતું અને ગુનેગારને પકડી પાડ્યો હતો.

ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્કવોડના DIG હિમાંશુ શુકલા એ વ્યકિત હતા જેમણે આ ચારેય મહિલાઓને મિશન માટેની જવાબદારી સોંપી હતી. તેમણે કહ્યું કે, 'આ મિશન દરેક માટે તે વાતનું રિમાઈન્ડર છે કે પોલીસ વિભાગમાં મહિલાઓ પ્રત્યેનો ભેદભાવ એ માત્ર પુરુષવાદના અતિઅભિમાન સિવાય બીજું કંઈ નથી. આ એક ખતરનાક ઓપરેશન હતું અને મને ટીમ પર ગર્વ છે. મને ખુશી છે કે તેમના આ બહાદુર પ્રયાસને હવે મોટા પડદા પર દેખાડવામાં આવશે'.

આ ઐતિહાસિક ઓપરેશનમાં ચાર મહિલાઓને મદદરુપ થનારા પોલીસ ઈન્સપેકટર જીગ્નેશ અગ્રાવત હતા, જેમની ગ્રાઉન્ડ ઈન્ટેલિજન્સ કુશળતાએ ટીમને માર્ગદર્શન આપ્યું હતું. ચારેય મહિલા પોલીસકર્મીઓના રોલ માટે કાસ્ટિંગની પ્રક્રિયા હાલ ચાલુ છે. ડિરેકટર આશિષ આર મોહને કહ્યું કે, 'આ બહાદુર મહિલાઓની પ્રેરણાદાયી કહાણીને મોટી સ્ક્રીન પર દેખાડવી તે મારા માટે ખરેખર ગર્વની વાત છે'.

આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જ શરુ થશે. ફિલ્મની સ્ટોરી સંજય ચૌહાણે (પાન સિંહ તોમર ફેમ) લખી છે. જયારે ફિલ્મ Wakaoo Films દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવશે.

(10:05 am IST)