Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

આમ આદમી પાર્ટીની મોટી જાહેરાત :મધ્ય પ્રદેશની તમામ 230 બેઠકો પર પોતાના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતારશે

-આપ ના મહામંત્રી સંદીપ પાઠકે કહ્યુ કે મધ્ય પ્રદેશની જનતા ભાજપ અને કોંગ્રેસથી પુરી રીતે કંટાળી ગઇ છે

મધ્ય પ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ જ સક્રિય જોવા મળતા હતા પરંતુ હવે આમ આદમી પાર્ટીએ પણ તૈયારી શરૂ કરી દીધી છે 

 

આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી ભોપાલ પહોચેલા સંદીપ પાઠકે કહ્યુ કે મધ્ય પ્રદેશની તમામ 230 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતરશે. દિલ્હી અને પંજાબમાં કરેલા વિકાસ કાર્યોના આધાર પર વોટ માંગવામાં આવશે.

મહામંત્રી સંદીપ પાઠકે કહ્યુ કે ભાજપનો એજન્ડા જ છે કે કોંગ્રેસના જીતેલા ઉમેદવારને ખરીદી લો. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને મત આપવાનો અર્થ ભાજપને સીધી રીતે ફાયદો પહોચાડવાનો છે. સંદીપ પાઠકે કહ્યુ કે મધ્ય પ્રદેશની જનતા ભાજપ અને કોંગ્રેસથી પુરી રીતે કંટાળી ગઇ છે. જનતા સમજી ગઇ છે કે આમ આદમી પાર્ટીની રાજનીતિ સાફ છે.

 

વર્ષ 2018માં ભાજપે અબ કી બાર દો સૌ પારનો નારો આપ્યો હતો, આ વખતે ફરી ભાજપનો દાવો છે કે તે 200થી વધારે બેઠકો પર જીત મેળવશે. મધ્ય પ્રદેશ વિધાનસભામાં 230 બેઠક છે. 2018માં ભાજપ 109 બેઠક સુધી પહોચી શકી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુ દત્ત શર્માએ દાવો કર્યો કે મધ્ય પ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં ગુજરાત જેવી આંધી આવશે. 2023 વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં જીતનો ઇતિહાસ બનશે અને અમે 200થી વધારે બેઠક પર જીત મેળવીશુ.

 

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની 230 બેઠક છે. નવેમ્બર 2023માં વિધાનસભાનો કાર્યકાળ ખતમ થઇ રહ્યો છે. મધ્ય પ્રદેશમાં નવેમ્બર પહેલા ચૂંટણી થવાની શક્યતા છે.

ડિસેમ્બર 2018માં મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સત્તા મેળવતા મેળવતા હારી ગઇ હતી, જેને કારણે 17 ડિસેમ્બર 2018માં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની કમલનાથની સરકાર બની હતી. જોકે, સવા વર્ષ રાહ જોયા બાદ ભાજપે કમલનાથ સરકારને તોડી નાખી હતી અને ફરી એક વખત શિવરાજ સિંહ ચૌહાણ ચોથી વખત મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા હતા.

(7:27 pm IST)