Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

૧૦૨ બાળક, ૫૭૮ પૌત્ર-પૌત્રોઃ નામ પણ યાદ નથીઃ ૬૮ વર્ષીય વ્‍યક્‍તિએ કહ્યું હવે વધુ નહીં આને ઘર નહી ફળિયુ જાહેર કરવું જોઈએ !

યુગાન્‍ડા,તા.૪: ૬૮ વર્ષની ઉંમરે ૧૦૨ બાળકો, શું નવાઈની વાત નથી, શું તમે ક્‍યારેય કલ્‍પના કરી શકો છો કે એક વ્‍યક્‍તિ ૧૦૦થી વધુ બાળકો પેદા કરી શકે છે, કદાચ નહીં. આ ચોંકાવનારી વાર્તાનું મુખ્‍ય પાત્ર યુગાન્‍ડાના ખેડૂત મોસેસ હસાહયા છે. અત્‍યાર સુધીમાં ૧૦૨ બાળકોને જન્‍મ આપીને તેણે નવો રેકોર્ડ બનાવ્‍યો છે. તેના આ કૃત્‍યથી આખી દુનિયા આશ્ચર્યચકિત છે. જો કે હવે મુસાની સૌથી મોટી સમસ્‍યા બાળકોના નામ યાદ રાખવાની છે. આટલી લાંબી ઈનિંગ બાદ હવે મૂસા કહે છે કે વધુ બાળકો નહીં.

વાસ્‍તવમાં, પૂર્વી યુગાન્‍ડાના બુટાલેજા જિલ્લાના બુગાસિયા ગામના મુસા હાશ્‍યા કસેરા તેમના પરિવારના કારણે આખી દુનિયામાં પ્રખ્‍યાત છે. મુસાને ૧૦૨ બાળકો છે. જો કે આ બાળકો માત્ર એક માતાના નથી પરંતુ મુસાએ ૧૨ લગ્ન કર્યા છે.

૧૨ પત્‍નીઓના ૧૦૨ બાળકો ઉપરાંત, ૬૮ વર્ષીય મુસાના ૫૭૮ પૌત્રો પણ છે. સાથે જ મુસા પોતે પણ આટલા મોટા પરિવારને જોઈને પરેશાન થઈ જાય છે. તેણે કહ્યું કે વધુ બાળકો નહીં, બસ બસ. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, મુસા પોતાના મોટા પરિવારને કારણે ઘણી સમસ્‍યાઓનો સામનો કરી રહ્યો છે.

મુસાએ કહ્યું કે શરૂઆતમાં તેને બધું મજાક લાગતું હતું, પરંતુ ધીમે ધીમે તેને સમજાયું કે તે મોટી મુશ્‍કેલીમાં છે. તેણે કહ્યું કે મારી તબિયત દિવસે દિવસે બગડવા લાગી. એટલું જ નહીં, મારા મોટા પરિવાર માટે માત્ર બે એકર જમીન ઓછી પડી. મુસાએ કહ્યું કે મારી બે પત્‍નીઓએ મને છોડી દીધો કારણ કે હું તેમની અને બાળકોની કપડાં અને શિક્ષણની જરૂરિયાતો પૂરી કરી શકતો ન હતો.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, મુસા હાલમાં બેરોજગાર છે. તેમ છતાં તે ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. મુસાએ કહ્યું કે હવે અમે ફેમિલી નહીં વધારવાનો નિર્ણય કર્યો છે. આ માટે તેમની પત્‍નીઓ ગર્ભનિરોધકનો ઉપયોગ કરી રહી છે. જણાવી દઈએ કે મુસાની મદદ માટે સંસાધનો આપવામાં પણ પ્રશાસનને મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના બાળકો મોટા જર્જરિત મકાનમાં રહે છે. સ્‍થિતિ એવી છે કે ઘરની છત ધરાશાયી થવાની આરે છે.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, મુસાના પહેલા લગ્ન ૧૯૭૨માં થયા હતા. તે દરમિયાન તે અને તેની પત્‍ની માત્ર ૧૭ વર્ષના હતા. તેમના લગ્નના એક વર્ષ પછી, તેમની પ્રથમ પુત્રી, સાન્‍દ્રા નેબવાયરનો જન્‍મ થયો. મુસાએ જણાવ્‍યું કે પરિવારને મોટો કરવા માટે તેના ભાઈ, સંબંધીઓ અને મિત્રોએ તેને વધુ બાળકો પેદા કરવાની સલાહ આપી હતી. જણાવી દઈએ કે યુગાન્‍ડામાં વર્ષ ૧૯૯૫માં બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો હતો. અહીં બહુવિધ લગ્નો કરવાનો રિવાજ છે, કારણ કે કેટલીક ધાર્મિક પરંપરાઓમાં તેને માન્‍યતા આપવામાં આવી છે.

(3:19 pm IST)