Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ટીમ મિટિંગમાં આંદોલનની વિસ્તૃત ચર્ચા થઈ : ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી

ખેડૂત આંદોલનનો મુદ્દો ક્રિકેટ ટીમમાં પણ ગાજ્યો : ઈંગ્લેન્ડ વિરુદ્ધ શુક્રવારે ચેન્નઈમાં રમાનારી પ્રથમ ટેસ્ટ અગાઉ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કરી

ચેન્નાઈ, તા. : ખેડૂત આંદોલનની ચર્ચા હવે ટીમ ઈન્ડિયાની મીટિંગ સુધી પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમની મીટિંમાં પણ આંદોલનની ચર્ચા કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે કહ્યું હતું કે ટીમની બેઠકમાં ખેડૂત આંદોલનને લઈને વિસ્તૃત ચર્ચા થઈ હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ શુક્રવારે ચેન્નઈમાં રમાનારી પ્રથમ ટેસ્ટ અગાઉ વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી જેમાં તેણે વાત કરી હતી.

કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે નવા કૃષિ કાયદાઓને લઈને ચાલી રહેલા ખેડૂત આંદોલનની ચર્ચા ટીમની બેઠકમાં થઈ હતી જેમાં પ્રત્યેક ખેલાડીએ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ પહેલા વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. વિરાટ કોહલીને જ્યારે ખેડૂત આંદોલનને લઈને સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે અમે ટીમ બેઠકમાં આના વિશે ચર્ચા કરી હતી. તમામ ખેલાડીઓએ પોતાના વિચાર રજૂ કર્યા હતા.

નોંધનીય છે કે પોપ સિંગર રિહાન્ના, એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ અને પોર્ન સ્ટાર મિયા ખલીફા જેવી હસ્તીઓએ ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કર્યા હતા જેને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. સચિન તેંડુલકર સહિત ઘણા ક્રિકેટર્સ અને અન્ય ભારતીય હસ્તીઓએ મુદ્દો ભારતનો આંતરિક મુદ્દો છે અને અન્ય લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ તેવી ટ્વિટ કરી હતી.

કોહલીએ ટ્વિટ કરી હતી કે, અસહમતીના સમયમાં આપણે બધા એકજૂટ રહીએ. ખેડૂતો આપણા દેશનું એક અભિન્ન અંગ છે. મને વિશ્વાસ છે કે તમામ પક્ષો વચ્ચે એક સૌહાર્દપૂર્ણ સમાધાન નીકળશે. જ્યારે સચિન તેંડુલકરે લખ્યું હતું કે, ભારતના સાર્વભૌમત્વ સાથે કોઈ સમજૂતી થઈ શકશે નહીં. બહારની તાકાતો પ્રેક્ષક હોઈ શકે છે પરંતુ તેમાં ભાગ લઈ શકે નહીં. ભારતીય લોકો ભારતને જાણે છે અને તેમને ભારત વિશે નિર્ણય લેવો જોઈએ. આવો એક રાષ્ટ્રના રૂપમાં એકજૂટ રહીએ.

(9:28 pm IST)