Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

પતિના ખર્ચે કેનેડા ગયા બાદ પત્નીનો સબંધ રાખવા ઇન્કાર

પંજાબના મોગા શહેરમાં લગ્ન બાદ ઠગાઈની ઘટના : પતિએ પત્ની અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવ્યાના ૧૧ માસ બાદ પોલીસે એફઆઈઆર દાખલ કરી

અમૃતસર, તા. : પંજાબના મોગા શહેરમાં લગ્ન બાદ છેતરપિંડી કરવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં હકીકતમાં એક યુવતી લગ્ન કર્યા બાદ કેનેડા જતી રહી અને ત્યાં પહોંચીને પતિ સાથેના સંબંધ માનવાથી ઈનકાર કરી દીધો. આરોપ છે કે પતિએ પોતાની પત્નીને લગ્ન બાદ કેનેડા મોકલવા માટે લગભગ ૩૧ લાખ રૂપિયાનો ધૂમાડો કરી નાખ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લગ્નના દિવસ બાદ દુલ્હન ભારતથી કેનેડા પહોંચી ગઈ હતી. કેનેડા પહોંચતા દુલ્હનનું વર્તન બદલાઈ ગયું હતું. પછી લગભગ ૧૦ દિવસ બાદ જ્યારે યુવતીના પતિએ તેને ફોન કર્યો તો પત્નીએ મોઢા પરસંભળાવી દીધું કે, 'ફરીથી ફોન ના કરતો. હું તારી પત્ની નથી. ફરીથી ફોન કર્યો છે કો કેસ ઠોકી દઈશ.'

ખાનગી ન્યૂઝ રિપોર્ટ મુજબ, પીડિતાએ લગ્ન માટે યુવક સામે શરત મૂકી હતી. જે મુજબ તેણે આઈલેટ્સની પરીક્ષા પાસ કરી હોવાથી તે વિદેશમાં અભ્યાસ માટે જવા ઈચ્છતી હતી. જેથી યુવકે પોતાના લગ્ન બાદ પત્નીને કેનેડા મોકલવા માટે ૩૧ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા.

હવે પંજાબના મોગા શહેરમાં લગ્નના નામે છેતરપિડીનો કેસ પીડિત યુવકે પોલીસમાં નોંધાવ્યો છે. તેણે પોતાની પત્ની, સાસુ-સસરા, પત્નીના મામા અને મામી, તથા મામાની છોકરી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે. પીડિત યુવકનું નામ દેવિંદર સિંહ છે.

ઉલ્લેખનીય છે કે છેતરપિંડીના ચોંકાવનારા મામલામાં યુવકે ૧૧મી માર્ચ ૨૦૨૦માં ફરિયાદ નોંધાવી હતી. જોકે છેક ૧૧ મહિના બાદ પોલીસે પીડિત યુવકની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી છે.

(7:57 pm IST)