Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

૧ પોલીસ કર્મચારી ઉપર ૬૪૧ લોકોની સુરક્ષાની જવાબદારી

ઇન્ડિયા જસ્ટીશ રિપોર્ટમાં ખુલાસો : રાષ્ટ્રીય સ્તરે ૩ પોલીસ અધિકારીમાંથી ૧ પદ ખાલી : મ.પ્રદેશ - બિહારમાં ૨માંથી ૧ પદ ખાલી : ૧ લાખની વસ્તીએ ૧૫૬ પોલીસ કર્મચારીઓનું મહેકમ : કોન્સ્ટેબલનું દર પાંચમાંથી ૧ પદ ખાલી

નવી દિલ્હી તા. ૪ : વિશ્વના બીજી સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતમાં દર ૧,૦૦,૦૦૦ની વસ્તી પર અંદાજે ૧૫૬ પોલીસ અધિકારીઓ છે. એટલે કે દેશમાં એક પોલીસકર્મી પર ૬૪૧ વ્યકિતઓની સુરક્ષાનો ભાર છે.

જો કે રાષ્ટ્રીય સ્તર પર પોલીસ કર્મીઓની સ્વીકૃત સંખ્યા પ્રતિ એક લાખની વસ્તી પર ૧૯૫ છે. એટલે કે સરકારે ૧ પોલીસકર્મીને ૫૧૨ વ્યકિતઓની સુરક્ષાની જવાબદારી આપી છે પરંતુ વાસ્તવિકતા કાંઇક બીજી છે. રાષ્ટ્રીય સ્તર પર પ્રતિ લાખ લોકો પર વાસ્તવિક પોલિસકર્મીઓની અંદાજીત સંખ્યા ૧૫૧ જ છે.

અનેક રાજ્યોમાં સ્થિતિ ગંભીર છે. બિહારમાં માત્ર ૬ પોલીસ કર્મીઓ પર ૧ લાખ સુરક્ષાની જવાબદારી છે.

આ તથ્ય ઇન્ડિયા જસ્ટિસ રીપોર્ટ ૨૦૨૦ના અધ્યયનમાં સામે આવ્યો છે. હાલમાં જ ટાટા ટ્રસ્ટે ઇન્ડિયા જસ્ટીસ રીપોર્ટ ૨૦૨૦ જાહેર કર્યો છે. આ રીપોર્ટમાં રાજ્યોની ન્યાય કરવાની ક્ષમતાનું સંકલન છે. ઇન્ડિયા જસ્ટીસ રીપોર્ટ દરેક રાજ્યમાં પોલીસ, ન્યાયપાલિકા જેલ અને કાયદાકીય મદદના રોલના આધારે તે રીપોર્ટ તૈયાર કરે છે.

જો કે ભારતના રાજ્યોમાં પોલિસિંગ વ્યવસ્થા જવાનો, અધિકારીઓ અને સંશાધનોની મુશ્કેલીમાં ઝઝુમી રહ્યા છે. જો કે છેલ્લા ત્રણ વર્ષોમાં દેશના અડધાથી વધુ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અધિકારીઓની બહાલી થઇ છે અને સ્થિતિ કેટલાક અંશે સુધરી છે.

જાન્યુઆરી ૨૦૨૦ સુધી રાષ્ટ્રીય સ્તર પર ૩ પોલીસ અધિકારીઓમાંથી ૧ પદ ખાલી છે. એમપી અને બિહારમાં ૨ માંથી ૧ અધિકારીનું પદ ખાલી છે. રાષ્ટ્રીય સ્તરે પણ કોન્સ્ટેબલનું દર પાંચમાંથી ૧ પદ ખાલી છે. તેલંગાણા અને પ.બંગાળ બંને રાજ્યોમાં કોન્સ્ટેબલોના ૪૦ ટકા પદ ભરતીઓની રાહ જોઇ રહ્યા છે.

છેલ્લા એક વર્ષમાં પંજાબ અને મહારાષ્ટ્ર પોલીસ રેકીંગમાં જબરદસ્ત રૂપથી પાછળ રહી ગયા છે. જ્યારે છત્તીસગઢ અને ઝારખંડ જેવા રાજ્યોએ છલાંગ લગાવી છે. અહેવાલ મુજબ પોલીસ રેકીંગમાં કર્ણાટકને ટોપ સ્થાન મળ્યું છે. કર્ણાટક એક માત્ર એવું રાજ્ય છે જેને અધિકારી અને કોન્સ્ટેબલ ભરતીમાં એસસી-એસટી અને ઓબીસી કોટાની સીટ ભરી હતી.

(3:20 pm IST)