Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીના પૂર્વ સ્ટુડન્ટ યુનિયન લીડર શરજીલ ઉસ્માની વિરુદ્ધ લખનૌમાં એફઆઈઆર : મહારાષ્ટ્રમાં 30 જાન્યુઆરીના રોજ આયોજિત એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કર્યાનો આરોપ : બે કોમ વચ્ચે અશાંતિ ઉભી કરવાનો પ્રયાસ

લખનૌ : અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીના પૂર્વ સ્ટુડન્ટ યુનિયન લીડર શરજીલ ઉસ્માની  વિરુદ્ધ લખનૌમાં એફઆઈઆર નોંધાઈ છે.જેમાં મહારાષ્ટ્રના પૂનામાં 30 જાન્યુઆરીના રોજ એલગાર પરિષદ આયોજિત   એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કરી વિવાદાસ્પદ વિધાનો દ્વારા બે કોમ વચ્ચે અશાંતિ ઉભી કરવાનો તથા સરકારની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યાનો આરોપ લગાવાયો છે.

અનુરાગ સિંહ નામક નાગરિકે ગઈકાલ બુધવારે રાત્રે લખનૌમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ આરોપીએ ઉત્તર પ્રદેશ સરકાર વિરુદ્ધ લોકોમાં રોષ અને ઘૃણા ઉત્પન્ન થાય તેવું ભાષણ આપ્યું હતું. તથા બે કોમ વચ્ચે અશાંતિ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો.જે તેણે વાઇરલ થયેલા વિડિઓ દ્વારા સાંભળીને ફરિયાદ નોંધાવી છે.જે અંતર્ગત ઉસ્માની વિરુદ્ધ કલમ 124-(A), 153-(A), 298, 504 સહીત જુદી જુદી દસ કલમ હેઠળ ફરિયાદ નોંધાવાઇ  છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ મંગળવારે પણ પૂનામાં ઉસ્માનના ભાષણ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવાઇ છે. તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:13 pm IST)