Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

લોકશાહી સૂચકાકંમાં બે નંબર ખસીને ૫૩માં નંબરે ભારત

પહેલો નંબર નોર્વે, ત્યાર પછી આઇસલેન્ડ, સ્વીડન, ન્યુઝીલેન્ડ અને કેનેડા

નવી દિલ્હી, તા.૪: ભારત ૨૦૨૦ લોકશાહી સૂચકાંકની વૈશ્વિક રેકીંગમાં બે સ્થાન પાછળ ખસીને ૫૩માં નંબરે પહોંચી  ગયું છે. ધ ઇકોનોમીસ્ટ ઇન્ટેલીજન્સ યુનિટ (ઇઆઇયુ) એ કહ્યું કે લોકશાહીના મૂલ્યોથી પાછળ હટવા અને નાગરિકોની સ્વતંત્રતા પર કાર્યવાહીને લઇને ભારત ગયા વર્ષની સરખામણીમાં બે નંબર પાછળ ગયું છે. જો કે ભારત પોતાના પાડોશી દેશોથી ઘણું ઉપર છે. ભારતને ગયા વર્ષે ૬.૯ પોઇન્ટ મળ્યા હતા, જે હવે ઘટીને ૬.૬૧ પોઇન્ટ થયા છે. ૨૦૧૪માં ભારત ૭.૯૨ પોઇન્ટ સાથે ૨૭માં નંબરે હતું.

ઇઆઇયુના તાજા સૂચકાંકમાં નોર્વેને ટોચનું સ્થાન મળ્યું છે. ત્યાર પછી આઇસલેન્ડ, સ્વીડન, ન્યુઝીલેન્ડ અને કેનેડાનો નંબર છે. આ સૂચકાંકમાં ૧૬૭ દેશોમાંથી ૨૩ને સંપૂર્ણ લોકશાહી, ૫૨ને ખામીયુકત લોકશાહી, ૩૫ને મિશ્રીત લોકશાહી અને ૫૭ને સત્તાવાદી શાસનના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. ભારતને અમેરિકા, ફ્રાંસ, બેલ્જીયમ અને બ્રાઝીલનની સાથે ખામીયુકત લોકશાહી તરીકે વર્ગીકૃત કરાયુ હતું.

ભારતના પાડોશી દેશોમાં શ્રીલંકા ૬૮, બાંગ્લાદેશ ૭૬, ભુટાન ૮૪ અને પાકિસ્તાન ૧૦૫માં નંબરે આવ્યું હતું. શ્રીલંકાને ખામીયુકત લોકશાહીની શ્રેણીમાં રખાયુ છે, જયારે બાંગ્લાદેશ ભૂટાન અને પાકિસ્તાન મિશ્રીત શાસનની શ્રેણીમાં છે. અફઘાનિસ્તાન ૧૩૯માં સ્થાને છે અને તેને સત્તાવાદી શાસન તરીકે વર્ગીકૃત કરાયું છે.

(12:52 pm IST)