Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ઉત્તરપ્રદેશમાં જુલાઇ મહિનામાં ૩૦ કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્ય

રામ વન ગમન માર્ગ તથા અયોધ્યામાં વૃક્ષારોપણ થશે : ફોર લેન રસ્તામાં ૧૮૦૦ દુકાનો કપાત થવાની વાતથી વેપારીઓ નારાજ

અયોધ્યા,તા. ૪: યુપીમાં જુલાઇ મહિનામાં ૩૦ કરોડ વૃક્ષો વાવવાના મહત્વકાંક્ષી લક્ષ્ય હેઠળ રાજ્ય સરકાર રામનગરી અયોધ્યામાં હરીયાળી વધારવા અને સૌદયીકરણ કરવાની યોજના બનાવી રહી છે. આ યોજના મુજબ રામ વન ગમન માર્ગને વૃક્ષોથી સુશોભીત કરાશે. તમસા નદી કિનારે ૨૭,૭૦૦ વૃક્ષો લગાડાશે. પ્રભુ રામે અયોધ્યા છોડતા પહેલા એક રાત આ નદી કિનારે વિતાવેલ.

રામ વન ગમન માર્ગ ચિત્રકૂટ સુધી ફેલાયેલો છે અને લગભગ ૨૨ કિ.મીનો માર્ગ અયોધ્યામાં તમસા નદી કિનારે સ્થિત છે. માર્ગનુ માર્કીંગ કરાયું છે અને અયોધ્યામાં ૬ સ્થળોની પસંદગી પણ થઇ છે. દરબંગજ અને મહાદેવ ઘાટ વચ્ચે બે જગ્યાઓ વૃક્ષારોપણ માટે પસંદ કરાઇ છે. ઉપરાંત શ્રવણ કુમારના સમાધી માર્ગ ઉપર પણ એક જગ્યા નક્કી થયાનું ડીએફઓ મનોજ ખેરે જણાવેલ.

અયોધ્યામાં વિકાસ કાર્યો અંતર્ગત રસ્તાઓ પહોળા કરવાની યોજના બનાવાઇ છે પણ તેનાથી અનેક વેપારીઓ નાખુશ છે. તેના વિરોધમાં વેપારીઓ દ્વારા જળ સત્યાગ્રહ કરાયેલ. સહાદગ ગંજથી નવા ઘાટ સુધી બનનાર ફોર લેન રસ્તામાં લગભગ ૧૮૦૦ વેપારીઓની દુકાનો આડી આવી રહી છે. જેને વિસ્થાપીત કરવા સરકાર યોજના બનાવી રહી છે. આના વિરોધમાં વેપારીઓએ આવેદન આપેલ. ઉપવાસ અને પુજા-પાઠ કરેલ જેમાં સપા સરકારમાં મંત્રી રહેલ તે જ નારાયણ પણ સામેલ થયેલ. તેમણે જણાવેલ કે ભાજપ સરકાર વેપારીઓના વિરોધમાં કામ કરે છે. દુકાન -મકાન તોડવાનો પ્રયાસ વેપારીઓનુ ઉત્પીડન છે.

(12:51 pm IST)