Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

અયોધ્યામાં મસ્જિદની જમીન પર વિવાદઃ બે મહિલાઓએ હાઈકોર્ટમાં ફાળવણીને પડકારી

અરજીમાં મહિલાઓએ ૨૯માંથી ૫ એકર જમીન પર પોતાનો હક્ક જતાવ્યો

લખનઉ, તા. ૪ :. અયોધ્યાના ધન્નીપુર ગામમાં મસ્જિદ માટે ફાળવવામાં આવેલ જમીનને લઈને નવો વિવાદ ઉભો થયો છે. દિલ્હીની બે મહિલાઓએ અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં એક અરજી દાખલ કરી ૨૯ એકરમાં મસ્જિદ માટે ફાળવવામાં આવેલ ૫ એકર જમીનને વિવાદીત ગણાવી છે. બન્નેએ અરજીમાં સુન્ની વકફ બોર્ડને ફાળવાયેલ ૨૯માંથી ૫ એકર જમીન પર પોતાનો હક્ક બતાવ્યો હતો. આ અરજી રાની કપુર પંજાબી અને રમા રાની પંજાબીએ દાખલ કરેલ છે.

તેઓએ અરજીમાં જણાવેલ છે કે ૫ એકરની જમીનના બારામાં એક કેસ વિચારાધીન છે. આ મામલાની ૮મીએ સુનાવણી થવાની શકયતા છે.

અત્રે નોંધનીય છે કે સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર યુપી સરકારે અયોધ્યાના રનોહી ક્ષેત્રના ધન્નીપુર ગામમાં મસ્જિદ માટે જમીન ફાળવી છે. જે પર ૨૬ જાન્યુઆરીએ મસ્જિદનો શિલાન્યાસ પણ કરાયો છે.

અરજીમાં બન્નેએ કહ્યુ છે કે ભારતના ભાગલા પડયા ત્યારે અમારા માતા-પિતા પાકિસ્તાનના પંજાબથી આવ્યા છે. બાદમાં તેઓ ફૈજાબાદમાં જ વસ્યા હતા. અમારા પિતા જ્ઞાનચંદ્ર પંજાબીને ૧૯૬૦ રૂ.માં ૫ વર્ષ માટે ૨૮ એકર જમીનનો પટ્ટો આપવામાં આવ્યો હતો. ૫ વર્ષ બાદ એ જમીન પણ પરિવારના ઉપયોગમાં રહી હતી. જો કે વર્ષ ૧૯૯૮માં અમારા પિતાનું નામ જમીનના રેકર્ડમાંથી ગુમ કરાયુ હતું. તેઓએ કહ્યુ છે કે મામલો વિચારાધીન હોવા છતા ૫ એકરની જમીન મસ્જિદ માટે આપી છે.

(11:06 am IST)