Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ભારતમાં પહેલીવાર કરાયું વૃક્ષોનું મૂલ્યાંકન

એક વૃક્ષની કિંમત પ્રતિ વર્ષ ૭૪૫૦૦ રૂપિયા

નવી દિલ્હી તા. ૪ : એક વૃક્ષનું મૂલ્ય એક વર્ષમાં ૭૪૫૦૦ હોય છે. ઝાડ જેટલું જુનૂ હોય, તેની કિંમતની દર વર્ષે ૭૪૫૦૦થી ગુણવી જોઇએ. ભારતમાં આ પહેલી વાર છે જ્યારે વૃક્ષોનું આર્થિક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુકત એક નિષ્ણાંત સમિતિએ વૃક્ષોનું મૂલ્યાંકન કર્યું છે.

સમિતીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ૧૦૦ વર્ષ જૂના એક હેરીટેજ વૃક્ષની કિંમત એક કરોડ રૂપિયાથી વધારે થઇ શકે છે. રિપોર્ટ અનુસાર, એક વૃક્ષ દર વર્ષે ૭૪૫૦૦ રૂપિયાનું થાય છે. તેમાંથી ફકત ઓકસીજનની કિંમત ૪૫૦૦૦ રૂપિયા અને જૈવિક ખાતરની કિંમત ૨૦૦૦૦ રૂપિયા થાય છે.

પશ્ચિમ બંગાળ દ્વારા રેલવે ઓવરબ્રીજ બનાવવા માટે ૩૫૬ વૃક્ષો (હેરીટેજ વૃક્ષ સહિત)ને કાપવાની પરવાનગી આપવાની માંગ પર સમિતીએ કહ્યું કે, આ વૃક્ષોની કિંમત ૨.૨ અબજ રૂપિયા છે જે આ પરિયોજનાના ખર્ચ કરતા વધારે છે. બુધવારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ બોબડેની અધ્યક્ષતાવાળી ૩ સભ્યોની બેંચે મોટી પરિયોજના માટે પર્યાવરણીય રૂપે ઓછા હાનીકારક વિકલ્પો અપનાવવા પર ભાર મુકયો. ચીફ જસ્ટીસે એમ પણ કહ્યું કે, રસ્તાઓની જગ્યાએ સમુદ્રી અને રેલમાર્ગોને વિકસીત કરવા જોઇએ. સરકારે આના પર વિચારવું જોઇએ, જેથી વૃક્ષો ઓછા કપાય.

સુપ્રીમે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલ એ નિયમ પર પણ નારાજગી દર્શાવી જેના હેઠળ ૧૦૦ કિલોમીટર સુધીની રોડ પરિયોજનાઓ માટે પર્યાવરણીય અસરનું અનુમાન (ઇઆઇએ)ની જરૂર નથી. બેંચે કહ્યું કે, અમારા હિસાબે આ જોગવાઇ બરાબર નથી. બેંચે કહ્યું કે અદાલત એક પ્રોટોકોલ બનાવશે, જેમાં સરકારે એક શકયતા તપાસવી પડશે કે રેલવેની પરિયજોનાઓમાં વૃક્ષોની કિંમતને સામેલ કરવામાં આવે. સાથે જ ઉંચા અને ગીચ વૃક્ષોને બીજી જગ્યાએ શીફટ કરી શકાય. બેંચે વકીલ પ્રશાંત ભૂષણને કહ્યું કે, પર્યાવરણને નુકસાનથી બચાવવા માટેના વૈકલ્પિક ઉપાયો તમે દર્શાવો.

(11:04 am IST)