Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

એર ઇન્ડિયાના વેચાણમાંથી સરકારને મળશે ૧૫૦૦૦ કરોડ

એર ઇન્ડિયા અધિગ્રહણની દોડમાં સૌથી આગળ છે ટાટા ગ્રુપ

નવી દિલ્હી, તા.૪: સરકારને એર ઇન્ડિયા અને તેના સહાયક એકમો એરઇન્ડિયા એકસપ્રેસ અને એઆઇએસએ ટીએસના વેચાણથી લગભગ ૧૫૦૦૦ કરોડ રૂપિયા મળી શકે છે. વેચાણ પ્રક્રિયા સાથે સંકળાયેલા સરકારી અધિકારીઓ અને બેંકરોએ આની માહિતી આપી છે. આનો અર્થ એ થયો કે સંભવિત બોલી દાતા દેવામાં ડૂબેલી અને છેલ્લા કેટલાક વર્ષોથી ખોટ ખાઇ રહેલી આ કંપનીના શેરની કિંમત શૂન્ય ગણશે.

ટાટા ગ્રૃપને એર ઇન્ડિયાના અધિગ્રહણની દોડમાં સૌથી આગળ ગણવામાં આવે છે. સરકારે એર ઇન્ડિયાના મૂલ્યાંકન સલાહકાર તરીકે આરબી એસએ એડવાઇઝર્સને નિયુકત કર્યા છે. નાણાકીય બોલી મળ્યા પછી મીનીસ્ટર્સ ગ્રૃપ દ્વારા કંપની માટેના અનામત ભાવને અંતિમ રૂપ આપવામાં આવશે.

કંપનીના ભાવ ઓછા આવવાનું એક કારણ એ પણ છે કે કંપની પાસે પહોળી બોડીવાળા વિમાન જેવા કે બોઇંગ ૭૮૭ અને ૭૭૭ છે. આ ઉપરાંત જૂની પેઢીના એર બસ ૩૨૦ અને બોઇંગ ૭૩૭ વિમાનો છે. ઇન્ડિયાના છે અને એર ઇન્ડિયાના બેડામાં ૧૨૧ વિમાનો સામેલ છે, જેમાંથી ૬૫ એર ઇન્ડિયાના છે અને એર ઇન્ડિયા  એકસપ્રેસ પાસે ૨૫ બોઇંગ ૭૩૭માંથી  ૧૦ તેના પોતાના છે જયારે બાકીના લીઝ પર લીધેલ છે.

ફિંચ રેટીંગ અનુસાર, ૧૦ વર્ષ જૂના પહોળી બોડીવાળા બોઇંગ ૭૭૭ની બજાર કિંમત ૨૭ ટકા જેટલી ઘટી ગઇ છે, જયારે ૧૦ વર્ષ જૂના સાંકડી બોડીવાળા બોઇંગ ૭૩૭ અને એર બસ ૩૨૦ વિમાનોનું મૂલ્યાંકન ફકત ૧૬ ટકા જેટલું જ રહ્યું છે.

એક બેંકરનું કહેવું છે કે આ કંપની ખરીદનારે સંયમ સાથે એક મોટી રકમનું રોકાણ કરવું પડશે. તેણે કંપનીના દેવાઓનો બોજ ઉપાડવાની સાથે જ કંપનીને નવેસરથી તૈયાર કરવી પડશે. કંપની ખરીદનારે અત્યાધુનિક વિમાનો ખરીદવાની સાથે માળખાગત સુવિધાઓ અને સોફટવેરમાં સુધારાઓ કરવા પડશે. એટલે બોલી બોલનારાઓ આ એરલાઇન્સ કંપનીનું મૂલ્યાંકન આ જરૂરિયાતોના હિસાબો કરી રહ્યા છે.

(11:04 am IST)