Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ભારતમાં ચોથા ભાગની વસ્તીને કોરોના થઇ ચૂકયો છે

અનેક લોકો કોરોનાગ્રસ્ત થયા પછી સાજા થયા હોવાનું તારણ : સરકારની સત્તાવાર સીરોલોજિકલ સર્વેમાં ચોંકાવનારી વિગતો

નવી દિલ્હી,તા. ૪: સરકારના સત્તાવાર આંકડા કહે છે કે દેશમાં કોરોનાના કુલ કેસોનો આંકડો એક કરોડથી વધુ છે. જ્યારે એક સ્ટડીમાં દાવો કરાયો છે કે આ આંકડો એક નહીં પણ અનેક કરોડમાં હોય શકે છે. સરકારના જ સીરોલોજિકલ સર્વે સાથે સંકળાયેલા એક સુત્રને ટાંકીને મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે દેશમાં ૩૦ કરોડથી વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી ગયો હોય શકે છે. એટલે કે દર ચારમાંથી એક ભારતીય કોરોનાની લપેટમાં આવી ગયો છે. જો કે આ આંકડા સત્તાવાર રીતે જાહેર કરાયા નથી.

હાલ સરકારના સતાવાર આંકડાની સરખામણી વિશ્વના દેશો સાથે કરીએ તો પ્રથમ ક્રમે હાલ અમેરિકા છે જ્યાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨.૭૦ કરોડ છે. એવામાં ભારત સરકારના સત્તાવાર સર્વે સાથે સંકળાયેલા સુત્રએ દાવો કર્યો છે કે ભારતમાં કોરોના વાયરસને લપેટમાં આવી ગયેલાની સંખ્યા ૩૦ કરોડથી પણ વધુ હોવાનું અનુમાન છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઇસીએમઆર) દ્વારા આ સરવે હાથ ધરવામાં આવ્યો છે. સત્તાવાર રીતે આ સરવેના આંકડા ગુરૂવારે જાહેર કરવામાં આવનારા છે. એવામાં તેની સાથે સંકળાયેલા એક સુત્રએ નામ ન આપવાની શરતે મીડિયાને કહ્યુ છે કે આંકડો ૩૦ કરોડથી પણ વધુ હોય શકે છે.

જો કે આ સુત્રએ એ પણ નથી કહ્યુ કે આ સરવેમાં કેટલા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સરવેને સીરો સરવે તરીકે ઓળખવામાં આવે છે. વસતીમાં કોઇ બિમારીના પ્રસારનું આકલન કરવા માટે સીરો એટલે કે સીરોલોજિકલ સરવે કરવામાં આવે છે. આ સરવે બિમારીના વાયરસની સામે રક્ષણ આપવામાં મદદરૂપ એટીબોડીની ઉપસ્થિતીની તપાસ કર્યા બાદ કરવામાં આવે છે.

સીરો સરવે માટે કોઇ ક્ષેત્રની વસતી વચ્ચે રેન્ડમલી લોકોના લોહીના નમૂના લઇને તપાસ કરવામાં આવે છે. દિલ્હી સરકારે આ જ સપ્તાહે એક સીરો સર્વેક્ષણના પરીણામો જાહેર કર્યા હતા. જે મુજબ રાષ્ટ્રીય રાજધાનીની કુલ બે કરોડની વસતીમાંથી અડધા લોકો કોઇને કોઇ રીતે કોરોનાની લપેટમાં આવીને સાજા પણ થઇ ગયા છે. કોરોના સંક્રમણની જાણકારી મેળવવા માટે દેશની ખાનગી ક્ષેત્રની ડાયગ્નોસ્ટિક કંપની થાયરોકેયર ટેકનોલોજીએ સાત લાખ લોકોની તપાસ કરી હતી. કંપનીના પ્રમુખે ગત સપ્તાહે કહ્યુ હતુ કે આ તપાસમાં જાણવા મળ્યું છે કે ૫૫ ટકા વસતી પહેલાથી જ સંક્રમિત થઇ ચુકી છે.

(10:22 am IST)