Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ખેડૂત આંદોલનઃ ૬ઠ્ઠીએ ચક્કાજામના બહાને ફરી હિંસા ફેલાવવાનો કારસો

૬ઠ્ઠી ફેબ્રુઆરીએ ખેડૂતોએ ચક્કાજામનું એલાન આપ્યુ છે પરંતુ ગુપ્તચર સૂત્રોએ આ દરમિયાન મોટાપાયે હિંસા ફેલાવાશે તેવી બાતમી આપતા પોલીસ સતર્ક : ગુપ્તચર અહેવાલો અનુસાર મોટાપાયે ઘાતક હથીયારોનો જથ્થો પણ છુપાવાયો છેઃ ૬ઠ્ઠીએ દિલ્હી સહિત આસપાસના શહેરોમાં ચક્કાજામના બહાને હિંસા થવા વકી

નવી દિલ્હી, તા. ૩ :. ૨૬ જાન્યુઆરીના રોજ ટ્રેકટર પરેડ દરમિયાન થયેલી હિંસા બાદ ફરી એક વખત ઈન્ટેલીજન્સ ઈનપુટસે સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપી છે. જેમાં જણાવાયુ છે કે કિસાન આંદોલન વચ્ચે મોટા પ્રમાણમાં ઘાતક હથીયારોનો જથ્થો છીપાવવામાં આવ્યો છે. ગુપ્તચર વિભાગના સૂત્રોનું માનીએ તો ઈનપુટ્સમા સૌથી વધુ સંવેદનશીલ સિંધુ બોર્ડર અને ટીકરી બોર્ડર જણાવવામાં આવે છે, ત્યાં ૨૬મી જાન્યુઆરીની જેમ જ ૬ ફેબ્રુઆરી અને તેની આસપાસ દિલ્હી સહિત અન્ય શહેરોમાં ચક્કાજામના બહાને તોફાનીઓ હિંસા ફેલાવવાનો પ્રયાસ કરશે. તેઓનો ઈરાદો લાલ કિલ્લાની જેમ જ ધારદાર હથીયારોના સહારે મોટાપાયે હિંસા ફેલાવવાનો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હરીયાણાથી જોડાયેલ બોર્ડર એરીયામાં ખતરો વધુ છે. અહીં પહેલા જ મોટાપાયે ધારદાર હથીયારો છુપાવવામાં આવ્યા છે.

ઈનપુટસમા પંજાબ, હરીયાણાના ગેંગસ્ટર સહિત દેશ વિરોેધી પરિબળો તરફ ઈશારો કરવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની સંડોવણી પણ હોઈ શકે છે.  બીજી તરફ બાતમી મળ્યા બાદ દિલ્હી પોલીસે સુરક્ષા વધારી છે. દિલ્હીની તમામ સરહદો પર લોખંડી બંદોબસ્ત મુકી દેવાયો છે. દિલ્હી પોલીસની લોકલ ઈન્ટેલીજન્સ ખેડૂતોની વચ્ચે તોફાની તત્વો પર નજર રાખી રહેલ છે. સાથોસાથ વોન્ટેડ લોકો પર પણ નજર છે.  ૬ઠ્ઠીએ ચક્કાજામનુ એલાન આપવામાં આવ્યુ છે, ત્યારે પોલીસે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે.

(9:33 am IST)