Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ખેડૂત આંદોલનની તરફેણ કરતા વિદેશી સેલિબ્રિટી પર સરકાર ખફા

ખેડૂત આંદોલન ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય મુદ્દો બની રહ્યું છે : વિદેશ મંત્રાલયે કહ્યું કે ખેડૂત આંદોલન અંગે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કે ટ્વીટ કરતા પહેલા સમગ્ર મામલાની યોગ્ય જાણકારી મેળવવી ખુબ જરૂરી .

નવી દિલ્હી, તા. ૩ : કૃષિ કાયદાને લઈને ચાલી રહેલુ ખેડૂતોનું આંદોલન ધીમે ધીમે હવે આંતરરાષ્ટ્રીય મુદ્દો બનતુ જઈ રહ્યું છે. અમેરિકાની પોપ સ્ટાર રિહાના અને ક્લાઈમેટ ચેંજ એક્ટિવિસ્ટ ગ્રેટ થનબર્ગ સહિત અનેક હસ્તીઓના ખેડૂતોના સમર્થન કરતા નિવેદન બાદ મોદી સરકારે આ સેલિબ્રિટીઓને રોકડું પરખાવ્યું છે.

ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવાનો હક છે અને ગણ્યાગાંઠ્યા ખેડૂતો જ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. માટે બહારના લોકોએ પોતાનો એજન્ડા ચલાવવો જોઈએ નહીં.  

ખેડૂત આંદોલનને લઈને ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના, યુવા એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની ટ્વીટ પર વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી હતી. મંત્રાલયે પરોક્ષ રીતે કહ્યું કે ખેડૂત આંદોલન અંગે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કે ટ્વીટ કરતા પહેલા મામલાની યોગ્ય જાણકારી મેળવવી જરૂરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ તરફથી કરાયેલી ટ્વીટમાં કહવાયું હતું કે, અમે આગ્રહ કરીશું કે આવા મામલે કોમેન્ટ્સ કરતા પહેલા યોગ્ય ફેક્ટ્સની જાણકારી મેળવવામાં આવે અને તે અંગે વધુ સારી સમજ રાખો. આ અંગે જાણીતી હસ્તીઓ અને અન્ય લોકો તરફથી સોશિયલ મીડિયા હેશટેગ અને જે પણ કોમેન્ટ્સ થઈ રહી છે તે ન તો યોગ્ય છે કે ન તો જવાબદાર છે.

વિદેશ મંત્રાલય તરફથી કરાયેલી વધુ એક ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતની સંસદે પૂરેપૂરી ચર્ચા બાદ કૃષિ ક્ષેત્રમાં સુધારાના હેતુથી કાયદા (હ્લટ્ઠદ્બિ ન્ટ્ઠુજ) ને પાસ કર્યા છે. આ સુધારા ખેડૂતોને બજારની વ્યાપક પહોંચ પુરી પાડશે. તેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. સુધારા સંબંધિત આ કાયદા અંગે ખેડૂતોના ખુબ નાના જુથમાં જ અસંતોષ છે.

વિદેશ મંત્રાલયે સ્થિતિ સ્પષ્ટ કરતા એમ પણ જણાવ્યું કે, પ્રદર્શનકારીઓની ભાવનાઓનું સન્માન કરીને સરકાર તરફથી તેમના પ્રતિનિધિઓ સાથે સતત વાતચીત ચાલુ છે. કેન્દ્રીય મંત્રીઓ તરફથી અત્યાર સુધીમાં ૧૧ રાઉન્ડ વાતચીત થઈ છે. સરકાર તરફથી આ કાયદાને હોલ્ડ કરવાનો વિકલ્પ પણ અપાયો છે.

ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના અને યુવા એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ભારતમાં  કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને સમર્થન કર્યું હતું. રિહાનાએ ધરણા સ્થળે ઈન્ટરનેટ બંધ થવાની ટીકા કરી હતી. તો સ્વીડિશ ક્લાઈમટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ ટ્વીટ કરીને ખેડૂતોના સમર્થનમાં એકજૂથતા દેખાડી.

(12:00 am IST)