Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ખેડૂતોને ડરાવાનું-ધમકાવાનું સરકારનું કામ નથી : કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી

ખેડૂત આંદોલનના મુદ્દે કોંગ્રેસ નેતાના પ્રહાર : ખેડૂતો હટવાના ન હોઈ સરકારે તાત્કાલિક ખેડૂતો સાથે વાતચીત કરવી જોઇએ, કૃષિ કાયદાઓ પાછા લેવા સલાહ

નવી દિલ્હી : કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એ બુધવારના મોદી સરકાર પર હુમલો કરતા કહ્યું કે, સરકારનું કામ ખેડૂતોને ડરાવવાનું, ધમકાવવાનું, મારવાનું નથી. તેમણે કહ્યું કે, સરકારે તાત્કાલિક ખેડૂતો સાથે વાતચીત કરવી જોઇએ, કૃષિ કાયદાઓ પાછા લેવા જોઇએ, કેમકે ખેડૂતો પાછા હટવાના નથી. પૉપ સ્ટાર રિહાના અને કેટલાક અન્ય સેલિબ્રિટીઝના ખેડૂત આંદોલનમાં સમર્થન પર રાહુલે કહ્યું કે, આ અમારો આંતરિક મામલો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોરોના કાળમાં ખેડૂતોએ દેશને બચાવ્યો, તેઓ આપણી કરોડરજ્જુ છે, પરંતુ સરકાર તેમને બરબાદ કરવા ઇચ્છે છે.

કેટલાક હોલિવુડ સેલિબ્રિટી ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યા છે તેને લઇને રાહુલ ગાંધીએ કહ્યું કે, આ આપણો આંતરિક મામલો છે. કોણ શું કહે છે તેમાં તેમને કોઈ રસ નથી. રાહુલ ગાંધીએ બુધવારના પ્રેસ કૉન્ફરન્સ કરીને ખેડૂત આંદોલનના મુદ્દા પર સરકારના ઇરાદા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, સરકાર કિલ્લાબંધી કેમ કરી રહી છે, શું તેઓ ખેડૂતોથી ડરે છે? શું ખેડૂતો દુશ્મન છે? મે કહ્યું છે કે ખેડૂતો હિન્દુસ્તાનની સ્ટ્રેન્થ છે, તેમને ડરાવવા, ધમકાવવા, મારવા સરકારનું કામ નથી.

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, સરકારનું કામ વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. કાયદાને ૨ વર્ષ સુધી ટાળવાનો શું મતલબ છે? તેમણે કહ્યું કે, દિલ્હીને કિલ્લામાં કેમ ફેરવવામાં આવી છે? સરકાર ખેડૂતો સાથે વાતચીત કેમ નથી કરી રહી? આ સમસ્યા આપણા દેશ માટે યોગ્ય નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, "જલદીથી જલદી સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂર છે, હું ખેડૂતોને સારી રીતે ઓળખું છું કે તેઓ પાછા નહીં હટે, અંતમાં સરકારે જ પાછળ હટવું પડશે, ફાયદો છે કે આજે જ હટી જાય." કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષે સંરક્ષણ બજેટને લઇને પણ સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ઠંડીમાં લદ્દાખમાં આપણી સેના ઉભી છે અને તમે તેમને પૈસા નથી આપી રહ્યા, આ કઇ દેશભક્તિ છે, રાષ્ટ્રવાદ છે.

ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલનને લઈને ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના, યુવા એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની ટ્વીટ પર વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી હતી. મંત્રાલયે કહ્યું કે ખેડૂત આંદોલન અંગે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કે ટ્વીટ કરતા પહેલા મામલાની યોગ્ય જાણકારી મેળવવી જરૂરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ તરફથી કરાયેલી ટ્વીટમાં કહેવાયું હતું કે, અમે આગ્રહ કરીશું કે આવા મામલે કોમેન્ટ્સ કરતા પહેલા યોગ્ય ફેક્ટ્સની જાણકારી મેળવવામાં આવે અને તે અંગે વધુ સારી સમજ રાખો. આ અંગે જાણીતી હસ્તીઓ અને અન્ય લોકો તરફથી સોશિયલ મીડિયા હેશટેગ અને જે પણ કોમેન્ટ્સ થઈ રહી છે તે ન તો યોગ્ય છે કે ન તો જવાબદાર છે.

(12:00 am IST)