Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

કોરોના વાયરસ

ચીનમાં કોરોનાનો આતંક યથાવત જારી : મૃતાંક વધીને ૪૩૦ થી વધુ

ચીનમાં દરરોજ ર૦૦૦ થી પણ વધારે નવા કેસ સપાટી પર : સોમવારે એક દિનમાં ૬૪ લોકોના મોત : કિલર બનેલા ઇન્ફેકશનના પરિણામે કુલ કેસોની સંખ્યા ર૦૪૩૦ થી વધુ : વાયરસ બેકાબુ હોવાની ચીનની કબુલાત

બેઝિગ,તા.૪ : ચીનમાં ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ચિંતાજનક રીતે વધી રહેલો મોતનો આંકડો વધીને હવે ૪૩૦ ઉપર પહોંચી ગયો છે. જ્યારે અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૨૦૪૪૦થી ઉપર પહોંચી ગઇ છે. ચીનમાં સાવેચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે કોરોના વાયરસ બેકાબુ છે. નવા કેસોની સંખ્યા પણ રેકોર્ડ ગતિથી વધી રહી છે. સોમવારના દિવસે તો કોરોના વાયરસે એક જ દિવસમાં ૬૪ લોકોનો ભોગ લઇ લીધો હતો. ગયા વર્ષે વાયરસનો પ્રથમ કેસ સપાટી પર આવ્યા બાદથી વાયરસના કારણે સોમવારના દિવસે સૌથી સવારે મોત થયા હતા. સૌથી વધારે અસરગ્રસ્ત એવા વુહાનને દેશના બાકીના હિસાથી હાલ અલગ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચીને પણ હવે કબુલાત કરી છે કે ફ્લુ જેવા ઇન્ફેક્શનને રોકવા માટે કેટલીક તકલીફ થઇ રહી છે. તેની પાસે પુરતા પ્રમાણમાં રોગને રોકવા માટે સાધન નથી. દવા પણ નથી. વિશ્વના ૩૩થી વધારે દેશો આ રોગના સકંજામાં આવી ગયા છે. બે ડઝનથી વધારે દેશોમાં આશરે ૧૫૦ કેસો સપાટી પર આવી ચુક્યા છે. બીજી બાજુ જુદા જુદા દેશો પોતાના નાગરિકોને ખસેડી લેવાની કવાયતમાં લાગેલા છે. ચીનમાં જે વિસ્તારો  સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ડબલ્યુએચઓ દ્વારા પણ કબુલાત કરવામાં આવી છે કે ખતરો અનેક ગણો વધારે છે અનેક દેશોએ ચીનમાં કોરોના વાયરસગ્રસ્ત વિસ્તારમાંથી પોતાના નાગરિકોને ખસેડવા માટે વિમાનો મોકલ્યા છે. કેટલાક દેશોની સાથે ચીનના સંબંધ સારા નહીં હોવાના કારણે ચિંતા વધી રહી છે. અમેરિકાએ પણ પોતાના નાગરિકોને ખસેડ્યા છે. બીજી બાજુ ચીન સાથે સંબંધ નહીં હોવાના કારણે અનેક દેશોએ ચીની નાગરિકોને પોતાના ત્યાંથી કાઢી મુકવાની તૈયારી પણ દર્શાવી છે. ચીન વિરોધી ભાવનાઓ ભડકી ઉઠી છે. વિયેતનામથી અમેરિકા સુધી ચીની લોકોની અવગણના થઇ રહી છે. ઇન્ડોનેશિયાની એક હોટલમાંથી ચીની પ્રવાસીઓને બહાર કરી દેવામાં આવ્યા છે. હોંગકોંગમાં પહેલાથી જ ચીન વિરોધી ભાવના જોવા મળે છે. દક્ષિણ કોરિયામાં પણ ચીની નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવાની માંગ થઇ રહી છે. હોંગકોંગથી અમેરિકા સુધી આ ભાવના જોવા મળી રહી છે. વાયરસની દહેશત એટલી હદ સુધી ફેલાઈ છે કે, વિશ્વભરની એરલાન્યસો દ્વારા ચીનની ફ્લાઈટો ઘટાડી દીધી છે. સાથે સાથે વૈશ્વિક કંપનીઓ દ્વારા ચીનની યાત્રા ન કરવા પોતાના કર્મચારીઓને આદેશ કર્યો છે.ફિલિપાઇન્સમાં એકના મોતના કારણે દુનિયાના અન્ય દેશો પણ ચિંતાતુર દેખાઇ રહ્યા છે. સાવચેતીના તમામ પગલા દુનિયાના દેશો લઇ રહ્યા છે. દુનિયાના તમામ દેશોએ તેમના વિમાનીમથકે યાત્રીઓની ચકાસણી તીવ્ર બનાવી દીધી છે. ચીનના લોકોથી દુર રહેવાના પ્રયાસ હવે તમામ દેશોના લોકો કરી રહ્યા છે. ચીનના જુદા જુદા શહેરોમાં ૬ કરોડથી વધારે લોકો હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.કોરોના  વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોના વાયરસ બેકાબુ છે અને મોતને આંકડો વધી રહ્યો છે.   થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, જાપાન, વિયેતનામ, સિંગાપોર જેવા દેશોમાં વાયરસે આતંક મચાવી દીધો છે. આ દેશો બાદ હવે કરોના વાયરસે યુરોપમાં પણ દહેશત ફેલાવી દીધી છે.  કોરોના વાયરસના કારણે દહેશત વચ્ચે દુનિયાભરના વિમાનીમથકો પર એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. દુનિયાના અનેક દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. જેમાં નેપાળ, થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપોર, સાઉથ કોરિયા, જાપાન, તાઇવાન, વિયતનામ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, ફિલિપાઇન્સ અને અમેરિકાનો સમાવેશ થાય છે. તમામ દેશોમાં એરપોર્ટ ખાતે ચીનથીઆવી રહેલા પોતાના નાગરિકો અને પ્રવાસીઓની ઝીંણવટભરી રીતે ચકાસણી થઇ રહી છે.અમેરિકાના નેશનલ ઇન્સ્ટીયુટ ઓફ હેલ્થના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે કરોના વાયરસના કારણે આ બિમારી ફેલાઇ રહી છે. વાયરલ નિમોનિયાની આ બિમારીની સામે લડવા માટે નવી વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. માત્ર ત્રણ મહિનાના ગાળામા ંજ વેક્સીનની માનવ ટ્રાયલ કરવામાં આવનાર છે. સમગ્ર ચીનમાં કોરોના વાયરસને લઇને વ્યાપક ફફડાટ અને દહેશત છે.

કોરોના વાયરસ બેકાબુ

બેજિંગ તા. ૪: ચીનમાં ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ચિંતાજનક રીતે વધી રહેલો મોતનો આંકડો વધીને હવે ૪૩૦ ઉપર પહોંચી ગયો છે. કોરોનાનો કહેર નીચે મુજબ છે

કુલ મોતનો આંકડો....................................... ૪૩૦

કુલ કેસોની સંખ્યા.................................... ૨૦૪૪૦

કુલ અસરગ્રસ્ત દેશો........................................ ૩૩

ચીનમાં દરરોજ કેસ.................................... ૨૦૦૦

ગંભીર અસરગ્રસ્ત....................................... ૧૫૦૦

(3:34 pm IST)