Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

સરકાર એર ઈન્ડિયાને લોનની ચુકવણી માટે 3,900 કરોડની ફાળવણી કરશે

નવી દિલ્હી :સરકારે એર ઈન્ડિયાને દેવું ચૂકવવા માટે બજેટમાં ૩,૯૦૦ કરોડ રૂપિયા આપ્યા છે. બજેટના દસ્તાવેજો પરથી આ જાણકારી મળી છે.

  નાણાભીડમાં ઘેરાયેલી વિમાન કંપની એર ઈન્ડિયાને નાણાકીય પુનર્ગઠન માટે એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગ લિમિટેડ બનાવવામાં આવી હતી. એર ઈન્ડિયાનું દેવું તેમાં જ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું. બજેટ દસ્તાવેજો અનુસાર, સરકારે એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગને આ વર્ષમાં ૧,૩૦૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  આગામી નાણાકીય વર્ષમાં કંપનીને ૨,૬૦૦ કરોડ રૂપિયા આપવામાં આવશે. દસ્તાવેજો અનુસાર, આ જોગવાઈ એર ઈન્ડિયાના નાણાકીય પુનર્ગઠન માટે બનાવવામાં આવેલી વિશેષ કંપનીને સ્થાનાંતરિત કરેલા લોન ચુકવણી કરવા માટે આપવામાં આવ્યા છે. એર ઈન્ડિયા ઉપર ૫૫,૦૦૦ કરોડ રૂપિયાનું દેવુ હોવાનો અંદાજ છે. આમાં લગભગ ૨૯,૦૦૦ કરોડ રૂપિયા એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગને ટ્રાન્સફર કરવામાં આવનાર છે.

  કંપની ૨૦૦૭માં ઈન્ડિયન એરલાઈન્સના વિલય પછી નાણાભીડમાં છે. એર ઈન્ડિયાને અતિ મહત્વપૂર્ણ ઓપરેટિંગ માટે વિમાનોની ખરીદી કરવા માટે પણ ૧,૦૮૪ કરોડ રૂપિયા આપવા પડશે. બજેટમાં ૨૦૧૯-૨૦ માટે નાગર વિમાન મંત્રાલયને કુલ ૪,૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં મંત્રાલયને ૬,૬૦૨.૮૬ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી જેમાં સુધારેલો ટેક્સ ૯,૭૦૦ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યો હતો.

(8:39 pm IST)