Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મમતા બેનર્જી-સીબીઆઇ વિવાદ : આજે સુપ્રીમમાં મહત્વની સુનાવણી થશે

સીબીઆઈ સામે મમતાની અરજી ઉપર તરત સુનાવણીનો ઇન્કાર : કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર તપાસમાં સહકાર નહીં કરી રહ્યા હોવાની સીબીઆઈની રજૂઆત : સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંનેમાં સુનાવણી

કોલકાતા, તા. ૪ : સમગ્ર દેશને હચમચાવી મુકનાર શારદા ચીટ ફંડ મામલાને લઇને સીબીઆઈની ટીમ કોલકાતા પોલીસ કમિશનર રાજીવકુમારના આવાસે પુછપરછ કરવા પહોંચી ત્યારથી જ શરૂ થયેલા વિવાદના મામલે રાજકીય ઘમસાણ જારી છે. એકબાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્ર સરકારની સામે ધરણા ઉપર ઉતરી ગયા છે. આજે બીજા દિવસે મમતા બેનર્જીના ધરણા જારી રહ્યા હતા. બીજી બાજુ કેન્દ્ર સરકાર પણ આક્રમક વલણ અપનાવી રહી છે. એકબાજુ શારદા ચીટ ફંડ મામલામાં સીબીઆઈની અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. સીબીઆઈની અરજી બાદ સુપ્રીમ કોર્ટ સાફ શબ્દોમાં કહી ચુકી છે કે, જો કોલકાતાના પોલીસ કમિશનર પુરાવાને નષ્ટ કરવાના મામલામાં તપાસ ટીમ પુરાવા આપી શકશે તો કોલકાતા પોલીસ કમિશનર સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. બીજી બાજુ કોલકાતા હાઈકોર્ટે આજે ચીટ ફંડ કૌભાંડના કેસોના સંબંધમાં તેમના આવાસ પર શહેર પોલીસ કમિશનર રાજીવકુમારની પુછપરછ કરવાના સીબીઆઈના પ્રયાસ સામે દાખલ કરવામાં આવેલી પશ્ચિમ બંગાળ સરકારની અરજી ઉપર તાત્કાલિક સુનાવણીનો આજે ઇન્કાર કરી દીધો હતો. કેન્દ્ર સરકાર દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ જસ્ટિસ શિવકાંત પ્રસાદે મંગળવાર સુધી આ મામલે સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો હતો. રાજ્યના એડવોકેટ જનરલ કિશોર દત્તાએ રજૂઆત કરી હતી કે, રાજ્યના પોલીસ અધિકારીઓને નોટિસના સંદર્ભમાં પગલા પર હાઈકોર્ટ દ્વારા સ્ટે હોવા છતાં સીબીઆઈની ટુકડીએ રવિવારના દિવસે કુમારના આવાસમાં પ્રવેશ કરવા અને તેમની પુછપરછ કરવાના પ્રયાસ કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોર્ટ ૧૩મી ફેબ્રુઆરીના દિવસે આ મામલામાં સુનાવણી કરનાર છે ત્યારે સીબીઆઈના પ્રયાસ આદેશોનો ભંગ કરે છે. બીજી બાજુ સીબીઆઈએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે જેમાં સુનાવણી હવે મંગળવારના દિવસે હાથ ધરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવનાર શારદા ચીટ ફંડ કોંભાડના મામલામાં કોલકત્તા પોલીસ કમીશનર રાજીવ કુમારની સામે સીબીઆઇ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. જેના પર હવે મંગળવારના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. અરજીમાં સીબીઆઇએ કહ્યુ છે કે રાજીવ કુમારને તપાસમાં સહકાર કરવા માટે કોર્ટ તરફથી આદેશ આપવામાં આવે તે જરૂરી છે. રાજીવ કુમાર સહકાર કરી રહ્યા નથી. સાથે સાથે સીબીઆઇએ રાજીવ કુમાર પર હજુ સુધી તપાસમાં સાથ ન આપવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સીબીઆઇ દ્વારા રાજીવ કુમાર પર પુરાવાને ખતમ કરવાનો પણ આરોપ મુક્યો છે. આના પર સુનાવણી વેળા સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતા કહ્યુ હતુ કે જો કોલકત્તાના પોલીસ કમીશનરે પુરાના નષ્ટ કરવાના કામ કર્યા છે તો તેમને વધારે મુશ્કેલી થશે. પુરાવાને નષ્ટ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે તો તેની સાથે સંબંધિત પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવ્યુ છે. આના પર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. સીબીઆઈ તરફથી પોતાની અરજીમાં તર્કદાર દલીલો કરવામાં આવી છે. સીબીઆઇ દ્વારા કહેવામાં આવ્યુ છે કે કોલકત્તાના પોલીસ કમીશનરની સામે કેટલીક વખત સમન્સ જારી કરવામાં આવ્યા છે પરંતુ તેમની નોંધ લેવામાં આવી નથી. જો કે આમાં સહકાર કરવામાં આવી રહ્યો નથી. તપાસમાં અડચણો ઉભી કરવામાં આવી રહી છે. પુછપરછ માટે ટીમ કમિશનરના આવાસે પહોંચી ત્યારે થોડાક સમય બાદ કોલકાતા પોલીસ અને સીબીઆઈના અધિકારીઓ વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. ત્યારબાદ પોલીસે સીબીઆઈની ઓફિસ જીસીઓ ઓફિસ ઉપર કબજો જમાવ્યો હતો.

(7:58 pm IST)