Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ચીટ ફંડના પ્રકરણમાં મમતા સક્રિય ભાગીદાર :પ્રકાશ જાવડેકર

મમતાને ફસાઈ જવાનો ભય સતાવી રહ્યો છે : ધરણામાં ટેકામાં આવેલા વિપક્ષી દળો ભ્રષ્ટાચારીઓના સાથીઓ છે : મહાગઠબંધન એક ભ્રષ્ટાચારનું બંધન છે

નવીદિલ્હી, તા. ૪ : સીબીઆઈ તપાસની સામે ધરણા ઉપર બેઠેલા મમતા બેનર્જીને લઇને કેન્દ્રીય માનવ સંશાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે પણ આજે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ચીટ ફંડ કૌભાંડમાં મમતા ભાગીદાર છે. આજકારણસર તેઓ પોતાના રાજને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. જાવડેકરે કહ્યું હતું કે, બંગાળમાં બંધારણની હત્યા થઇ રહી છે. મોદી સરકારને તાનાશાહ કહેનાર મમતા પોતે તાનાશાહી ઉપર ઉતરી આવ્યા છે. મમતાને સમર્થન આપી રહેલા વિપક્ષી દળોને ભ્રષ્ટાચારીના સાથી તરીકે ગણાવીને જાવડેકરે કહ્યું હતું કે, આજે ઘણા બધા વિપક્ષી દળો મમતાના સમર્થનમાં એકત્રિત થયા છે. આ મહાગઠબંધન ભ્રષ્ટાચારનું બંધન છે જે ક્ષેત્રના આધાર પર વિભાજિત છે અને ભ્રષ્ટાચારના આધાર પર જોડાયેલા છે. સંસદમાં પણ આજે જોરદાર હોબાળો આ વિષય પર થયો હતો. ભાજપ નેતાએ કહ્યું હતું કે, રાજીવકુમારની પાસે લાલ ડાયરી અને પેન છે. અનેક બાબતો તેમની પાસે છે જે શારદા ચીટ ફંડ કૌભાંડમાંથી પડદો ઉંચકી શકે છે. મમતાને ભય છે કે, જો કમિશનરની પાસેથી નિકળેલા આ પુરાવા તેમના સુધી પહોંચી જશે તો તેમની હાલત કફોડી થશે. આ પ્રથમ વખત થઇ રહ્યું કે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી તપાસમાં સહકાર કરી રહ્યા નથી.

 બંધારણની હત્યા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પોલીસ અધિકારીને બચાવવા ધરણા કરી રહ્યા છે. ધરણા પર પોલીસ અધિકારી, પોલીસ કમિશનર અને એડીજી બેઠા છે. સરકારી અધિકારીઓના ધરણા ઉપર બેસવાની બાબત કયા નિયમ દર્શાવે છે.

(7:55 pm IST)