Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

સેનેટના રીપબ્લીકન પાર્ટીના નેતા મીચ મેકોનલે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી કે રાષ્ટ્રીય કટોકટી અંગે જો આપ નિર્ણય લેશો તો પછી રીપબ્લીકન પાર્ટીમાં બળવો થશેઃ વિભાજીત રીપબ્લીકનો અને કોંગ્રેસના સભ્યો તેની સામે વિરોધનો ઠરાવ પસાર કરશે

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ચુંટાયેલા બંને પાર્ટીના સભ્યોને ચેતવણી આપતા કહે છે કે મારી માંગણી મુજબ આવતી ૧પમી ફેબ્રુઆરી પહેલા અમેરીકાની સરહદે દિવાલ બાંધવા માટે પ.૭ બીલીયન ડોલર જેટલા નાણાં જો મંજુર ન કરવામાં આવે તો પછી તેઓ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી સલામતી ખાતર લશ્કરના જવાન મારફત દિવાલ બાંધવાની શરૂઆત કરશે. પરંતુ સેનેટના બહુમતી પક્ષના નેતા મીચ મેકોનલ તાજેતરમાં અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા અને તેમણે ચર્ચા દરમ્યાન પ્રમુખશ્રીને જણાવ્યું હતું કે અમેરીકાની સરહદે જો દિવાલ બાંધવા માટે સહમતી ન કેળવાય તો પછી રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની જે બીના છે તે યોગ્ય નથી. અને જો તે જાહેર કરવામાં આવે તો રીપબ્લીકન પાર્ટીના ચુંટાયેલા નેતાઓ તથા કોંગ્રેસના વિરોધી સુર ઉત્પનન થવા જશે અને બળવાના એંધાણ બહાર આવશે માટે આ અંગે આપ જે વિચારતા હોય તે હાલ તુરંતમાં મુલત્વી રાખશો. આ સમગ્ર બીના ગયા શુક્રવારે અમેરીકાના પાટનગર વોશીંગ્ટન ડીસીથી પ્રસિદ્ધ થતા વર્તમાનપત્ર વોશીંગ્ટન પોસ્ટમાં પ્રસિદ્ધ થઇ હતી. આ અંગે રીપબ્લીકન પાર્ટીના સભ્યોએ મને પણ ચેતવણી આપી હતી એવું મીચ મેકોનલે વધારામાં જણાવ્યું હતું.

અમેરીકાના પ્રમુખ હવે જો રાષ્ટ્રીય કટોકટી જાહેર કરે તો પછી રીપબ્લીકન પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના સભ્યો સાથે મળીને તેની સામે વિરોધી પ્રસ્તાવ મંજુર કરશે જેનો પ્રમુખ વીટો દ્વારા ઉડાવી દેશે. હાઉસના સ્પીકર નેન્સી પલોસીએ પત્રકારોને તાજેતરમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જે દરખાસ્ત તૈયાર કરવામાં આવનાર છે તેમાં અમેરીકા અને મેકસીકોની સરહદે દિવાલ બાંધવા અંગે કોઇપણ પ્રકારના નાણાંની જોગવાઇ કરવામાં આવેલ નથી. સરકારી તંત્રમાં તાળાબંધી હતી તેને દુર કરવા માટે ૧પમી ફેબ્રુઆરી સુધીની મુદ્દત હતી અને આ સમયગાળા દરમ્યાન સરહદોની રક્ષણ કરવા માટે દિવાલ બાંધવા માટે જરૂરી નાણાંની સગવડતા કરવા કોંગ્રેસને જણાવ્યું હતું અને તેમ કરવામાં ચુંટાયેલા પ્રતિનિધિઓ નિષ્ફળ જશે તો પછી પાછી તાળાબંધી અથવા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીશ એવું જણાવ્યું હતું.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને વ્હાઇટ હાઉસમાં જણાવ્યું હતું કે તેઓ તાળાબંધી કરતા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં માને છે અને આવનારા સમયમાં તે અંગેનો નિર્ણય લેવામાં આવશે તેવું તેમણે અંતમાં જણાવ્યું હતું.

રીપબ્લીકન પાર્ટીના સેનેટના નેતા મીચ મેકોનલે જણાવ્યું હતું કે, અમેરીકાના પ્રમુખ રાષ્ટ્રીય હિત વિચારીને આગળના પગલા ભરશે. મોટાભાગના સેનેટરો અમેરીકાના પ્રમુખ સરકારી તંત્રમાં તાળાબંધી અથવા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરે તેના વિરોધી છે, કારણકે આ અગાઉ ૩પ દિવસ દરમ્યાન સરકારી તંત્રમાં તાળાબંધી હતી અને તેનાથી આ સમય દરમ્યાન કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ હતી તેનો સંપૂર્ણ ખ્યાલ સમગ્ર રાજકીય નેતાઓને છે તેથી હવે પ્રમુખશ્રી આગળ કેવા પગલા ભરે છે તે તરફ સૌનું ધ્યાન કેન્દ્રીત થયેલું જોવા મળે છે. આ અંગેની સંપૂર્ણ માહિતી અમો અમારા વાંચક વર્ગ માટે અમે પ્રસિદ્ધ કરતા રહીશું તેની સૌ નોંધ લે.

(6:37 pm IST)