Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

છેલ્લા પ વર્ષ બંધારણીય સંસ્થાઓની ગરીમા ઘટીઃ રાજકીય માંધાતાઓ દ્વારા બેફામ દૂરૂપયોગ

તપાસનીશ એજન્સીઓની વિશ્વસનીયતાનો ભૂક્કો બોલી ગયોઃ સત્તાધીશો વિચારે

ઉત્તર પ્રદેશ તા. ૪ :.. કોલકતા પોલીસ દ્વારા સીબીઆઇના અધિકારીઓની ધરપકડ કરવાની ઘટના પર સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મોહમ્મદ આઝમ ખાને મોદી સરકાર પર નિશાન તાકયું છે. આઝમખાને કહ્યું કે આજે આવુ એટલા માટે થઇ રહ્યું છે કેમ કે છેલ્લા પાંચ વર્ષોમાં રાજકીય લોકો દ્વારા દુરૂપયોગ થતો હોવાથી સીબીઆઇ, ઇડી અને બીજી બંધારણીય સંસ્થાઓની ગરીમા એકદમ ઘટી ગઇ છે.

રામપુરમાં પત્રકારો સાથે વાતચીત કરતા સપા નેતા આઝમખાને કહ્યું કે છેલ્લા પાંચ વર્ષોમાં લોકશાહી તો નબળી થઇ જ છે સાથે જ આપણી જે સ્વતંત્ર એજન્સીઓ હતી, અદાલતો હતી, પોલીસ, ઇન્કમટેક્ષ, સેલ્સ ટેક્ષ, ઇડી અને આઇબી તથા સીબીઆઇ આ બધાનો એટલો દુરૂપયોગ થયો છે કે તેની વિશ્વસનીયતા સમાપ્ત થઇ ગઇ છે.

સપા નેતા આઝમ ખાને કહયું કે રાજકારણીઓએ પોતાના મકસદ માટે તેમનો ઉપયોગ કર્યો પછી તે સીબીઆઇ હોય, ઇડી હોય, આઇબી હોય, કે પછી બીજી કોઇ એજન્સી. આજે આ એજન્સીઓ માટે લોકોનો મત સારો નથી રહ્યો. પશ્ચિમ બંગાળમાં જે કંઇ થયું તે આનું જ પરિણામ છે.

આઝમ ખાને કહ્યું કે વડાપ્રધાને પોતે વિચારવું જોઇએ કે વાત અહીં સુધી કેમ પહોંચી, સુપ્રિમ કોર્ટના પ જજ કોન્ફરન્સ કરે છે. સીબીઆઇના ડાયરેકટરો એક બીજા વિરૂધ્ધ એફઆઇઆર કરે છે, રિઝર્વ બેંકના  ગવર્નર રાજીનામુ આપે છે અને હવે સ્ટેટીકસ વિભાગના અધિકારીઓએ પણ રાજીનામા આપ્યા છે. આ બધું જે બની રહ્યું છે તે વિચારવા યોગ્ય છે. તેમણે કહયું કે સત્તા તો આવે ને જાય છે. આજે એક વ્યકિત વડાપ્રધાન છે. કાલે બીજું કોઇ હશે પણ તે જે ઉહાદરણ સમાજ માટે છોડીને જાય છે, જે અંગારાઓ સમાજ માટે ઉભા કરે છે, જે કાંટાઓ વાવી રહ્યા છે તેનાથી બહુ મોટુ નુકશાન થશે. (પ.રપ)

(3:58 pm IST)