Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

પિતા - કાકાના સાહિત્ય - સંગીતના સ્નેહમાંથી 'ગુજરાત્રી'નું સર્જન થયું : માતૃભાષા ગુજરાતી અને ગુજરાતી કલાકારો માટે કંઇક કરવાનું સપનું : નિમિશભાઇ ગણાત્રા

માતૃભાષા ગુજરાતી અને ગુજરાતી કલાકારોનાં સંરક્ષણ, સંવર્ધન, પ્રોત્સાહન અને મનોરંજનની ગુજરાત્રીનો ઉદય અકિલાના નિમિશભાઈ ગણાત્રાએ 'અકિલા ઈવેન્ટ્સ' દ્વારા કર્યો છે. આ અવસરે અકિલા ઈવેન્ટ્સ - ગુજરાત્રીનાં સર્જક નિમિશભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે, નાનપણથી જ પરિવારમાં પિતા-કાકાનાં સાહિત્ય-સંગીતનાં સ્નેહને નિહાળ્યો હતો.

પિતા કિરીટ કાકા, અજીત કાકા અને રાજુ કાકાને ગુજરાતી કવિતા, ગીત-સંગીત તેમજ જૂના હિન્દી ફિલ્મો અને તેના ગીતોનો જબરો શોખ હતો પરંતુ અકિલા પરિવારે સંભાળેલી પત્રકારત્વની જવાબદારીમાં સાહિત્ય-સંગીતનો શોખ સિમિત બની ગયો હતો. આ ઉપરાંત છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતી નવી પેઢી પણ ગુજરાતી ભાષા, સાહિત્ય અને ગીત-સંગીતથી વિમુખ થઈ રહી હતી. એવામાં એક દિવસ ગુજરાતી ભાષા, સાહિત્ય, ગીત-સંગીત અને તેમના કલાકરો માટે કઈક કરી છૂટવાની તમન્ના જાગૃત બની. ગુજરાતી કલા, સંગીત અને સાહિત્યની પ્રવૃત્તિને જો ઉત્તેજન આપવામાં આવે તો એના દ્વારા માતૃભાષા ગુજરાતીની ઉત્તમ સેવા થઈ શકે.

આમ, નાનપણથી જ પિતા-કાકાનાં સાહિત્ય-સંગીતનાં પ્રત્યેનાં સ્નેહમાંથી ગુજરાત્રીનું સર્જન કરવાનું વિચારબીજ ફૂટ્યું અને હવે માતૃભાષા ગુજરાતી અને ગુજરાતી કલાકારો માટે કઈક કરવાનું સપનું છે એવું અકિલા ઈવેન્ટ્સ ગુજરાત્રીનાં સર્જક નિમિશભાઈ ગણાત્રાએ કાર્યક્રમની શરૂઆતમાં જણાવ્યું હતું. આ સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતી ભાષા, સાહિત્ય, પત્રકારત્વ અને ગીત-સંગીત, સિનેમાનાં કલાકારો અને ભાવકોએ નિમિશભાઈની કલ્પના અને કાર્યને તાળીઓનાં પ્રચંડ ગડગડાટથી વધાવ્યું-વખાણ્યું હતું.

(3:46 pm IST)