Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અનિલ અંબાણીની કંપનીઓના શેર્સ ઉંધામાથે પછડાયાઃ ઈન્વેસ્ટરોના કરોડો ડૂબ્યા

આરકોમનો શેર ૫૪ ટકા જેટલો તૂટયોઃ રિલાયન્સ પાવર, રિલાયન્સ ઈન્ફ્રા., રિલાયન્સ કેપીટલ વગેરે પણ કડડભૂસ : આરકોમમાં જ ઈન્વેસ્ટરોમાં ૧૫૫૦ કરોડ ડૂબી ગયાઃ એક તબક્કે શેરનો ભાવ ૫.૩૦ પૈસા થઈ ગયોઃ આજે ૧૨ કરોડથી વધુ શેર વેચાયા

નવી દિલ્હી, તા. ૪ :. દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની કંપની આરકોમના શેર સહિત અનિલ અંબાણીની રિલાયન્સના તમામ શેર આજે ઉંધામાથે પટકાયા છે. આરકોમનો શેર આજે ૫૪ ટકા જેટલો તૂટયો છે. અત્રે નોંધનીય છે કે, જીયો સાથે થનારી ડીલ ટળવાથી અને દેવુ ચૂકવવામાં નિષ્ફળ  ગયા બાદ આરકોમે દેવાળુ ફુંકવાની અરજી આપી હતી. કંપની પોતાની સંપત્તિ વેચીને દેવાદારોને રકમ પરત કરવામાં નિષ્ફળ રહી હતી.

આજે આરકોમનો શેર ૫૪ ટકા જેટલો તૂટી ગયો હતો. દિવસ દરમિયાન ૪૮.૨૭ ટકા તૂટી ૬ રૂપિયાના નીચલા સ્તર પર પહોંચી ગયો હતો. અનિલ અંબાણીની આ કંપની પર માર્ચ ૨૦૧૮ના આંકડા અનુસાર ૪૬૫૪૭ કરોડ રૂપિયાનું કુલ દેવુ છે. આરકોમમાં આજે જંગી ઘટાડો જોવા મળ્યો હતો. એક તબક્કે શેરનો ભાવ ૫.૩૦ થઈ ગયો હતો. શરૂઆતની ૪૫ મીનીટમાં જ આરકોમના ૧૨ કરોડ શેર રોકાણકારોએ વેચી કાઢયા હતા.

આજે અનિલ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ પાવરનો શેર ૩૧.૭૦ ટકા તૂટીને ૧૮ સુધી પહોંચ્યો હતો. જ્યારે રિલાયન્સ કેપીટલનો શેર ૨૦.૨૨ ટકા તૂટીને ૧૫૦.૯૦ ઉપર છે. જ્યારે રિલાયન્સ ઈન્ફ્રા.નો શેર ૧૬ ટકા તૂટીને ૨૨૪.૬૦ ટકા ઉપર ટ્રેડ કરે છે.

આજે આરકોમનો માર્કેટ કેપીટલ ૨૦૦૦ કરોડથી નીચે ચાલ્યો ગયો હતો અને ૧૬૬૮ કરોડ રૂપિયા રહી ગયો હતો, એટલે કે એક જ ઝાટકે રોકાણકારોને ૧૫૫૦ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. આજે એડીએજી કંપનીને લઈને રોકાણકારોનું સેન્ટીમેન્ટ બગડી ગયુ હતું. રિલાયન્સ હોમ ૯ ટકા, રિલાયન્સ નિપ્પોન ૧.૫૮ ટકા તૂટયો હતો. રિલાયન્સ નવલ્સ એન્ડ એન્જીનીયરીંગ ૧૦ ટકા તૂટયો હતો.

(3:43 pm IST)