Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

૨૦,૦૦૦ કરોડનું છે શારદા ચીટ ફંડ કૌભાંડઃ જેના લીધે મમતા અને CBI છે આમને સામને

આ સમગ્ર મામલામાં બે મોટા કૌભાંડનો આરોપ છે. પહેલો મામલો શારદા ચીટ ફંડનો છે જેમાં લગભગ ૨૫૦૦ કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ છે. જયારે બીજો મામલો રોઝ વેલી સાથે જોડાયેલો છે. જે લગભગ ૧૭૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ છે

નવી દિલ્હી, તા.૪: શારદા ચીટ ફંડ મામલે સીબીઆઈ અને મમતા બેનરજી સરકાર વચ્ચે ખેંચમખેંચી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈની ટીમ કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ માટે તેમના નિવાસ સ્થાને પહોંચી હતી. આ ઘટના બાદ નાટકીય વળાંક આવ્યો અને કોલકાતા પોલીસે સીબીઆઈની ટીમની અટકાયત કરી લીધી. સીબીઆઈની ટીમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. ત્યારબાદ કોલકાતા સ્થિતિ બંને ઓફિસોને ઘેરવામાં આવી હતી. મમતા બેનરજી કેન્દ્ર સરકાર પર તાનાશાહી વર્તનનો આરોપ લગાવીને ધરણા પર બેસી ગયાં. આ સમગ્ર મામલે એ જાણવું ખુબ જરૂરી છે કે આખરે જે મુદ્દાને લઈને આ ગરમાગરમી જોવા મળી રહી છે તે શારદા ચીટ ફંડ મામલો શું છે અને કેટલા કરોડનું કૌભાંડ છે. આ કૌભાંડ કુલ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું છે.

આ સમગ્ર મામલામાં બે મોટા કૌભાંડનો આરોપ છે. પહેલો મામલો શારદા ચીટ ફંડનો છે જેમાં લગભગ ૨૫૦૦ કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ છે. જયારે બીજો મામલો રોઝ વેલી સાથે જોડાયેલો છે. જે લગભગ ૧૭૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ છે. મામલાની તપાસ કરી રહેલા અધિકારીઓનું કહેવું છે કે બંને કેસમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)એ આરોપીઓને સપોર્ટ કર્યો હતો. બંને મામલાઓની હાલ સીબીઈ તપાસ ચાલી રહી છે.

ચીટ ફંડ કંપનીઓએ આ મામલે રોકાણકારોને કહ્યું કે રોકાણ કરો અને તેમને તે બદલ આકર્ષક વ્યાજ આપવામાં આવશે. સમય મર્યાદા પૂરી થયા બાદ જયારે રોકાણકારો પોતાનુ રિટર્ન લેવા માટે પહોંચ્યા તો બધી કંપનીઓએ પૈસા પાછા આપવાની ના પાડી દીધી. મામલો કોર્ટમાં પહોંચ્યો. આખરે ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી દીધી. કોર્ટે તે વખતે આદેશ આપ્યો હતો કે પશ્યિમ બંગાળ, ઓડિશા અને આસામ પોલીસ તપાસમાં સીબીઆઈની મદદ કરે.

શારદા ચીટ ફંડની જેમ જ રોઝ વેલી પણ બંગાળનું ખુબ મોટું કૌભાંડ છે. જેમાં રોકાણકારોને બે અલગ અલગ સ્કીમની લાલચ અપાઈ હતી. લગભગ એક લાખ લોકોએ આ સ્કીમોમાં રોકાણ કર્યુ હતું. ત્યારબાદ કંપનીએ પૈસા પાછા આપવાની ના પાડી દીધી હતી.

૨૦૦૮માં શારદા કંપની શરૂ થઈ હતી. ખોટા વાયદા કરીને કંપનીએ લાખો રોકાણકારો પાસે રોકાણ કરાવ્યું અને ત્યારબાદ પૈસા પાછા આપવાની ના પાડી દીધી. વર્ષ ૨૦૧૩માં આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. જેના ચીફ રાજીવ કુમારને બનાવવામાં આવ્યાં હતાં. વર્ષ ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટના આદેશ પર આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી હતી. સીબીઆઈનું કહેવું છે કે રાજીવ કુમારે અનેક મહત્વના પુરાવા પોલીસને આપ્યા નથી. સીબીઆઈની ટીમ આ મામલે પૂછપરછ માટે તેમના દ્યરે પહોંચી હતી.

સીબીઆઈનું કહેવું છે કે પહેલા તેમને અનેકવાર સમન જારી કરવામાં આવ્યું હતું. તેમણે તેનો કોઈ જવાબ આપ્યો નહીં. ત્યારબાદ અમે તેમના ઘરે  પહોંચીને તેમની પૂછપરછ કરવાનો નિર્ણય લીધો.

(3:33 pm IST)