Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

આજે મૌની અમાસ : ગંગાસ્નાન માટે શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી

સોમવતી મૌન અમાસનું મહાદેવના દર્શનનું માહાત્મ્ય

પ્રયાગરાજ તા. ૪ : વિક્રમ સંવત-૨૦૭૫માં તા.૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પોષ વદ અમાસ છે. જેને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે સોનામાં સુગંધ ભળે તેમ સોમવારે આ અમાસ આવે છે. જેને કારણે સોમવતી મૌની અમાસનું મહત્ત્વ વધી ગયું છે. અત્યારે પ્રયાગરાજ ખાતે અર્ધકુંભ મેળો ચાલી રહ્યો છે. ત્યાં પણ આ દિવસે દ્વિતીય શાહી સ્નાન થશે. એટલે કે આ મૌની અમાવસ્યાનું મહત્ત્વ સવિશેષ છે.ઙ્ગ

ભારતીય પરંપરામાં મૌનનું ખાસ મહત્ત્વ છે. આધ્યાત્મિક સાધનામાં આગળ વધવા માટે મૌન ધારણ કરવામાં આવે છે અને ભૌતિક દૃષ્ટિએ પણ વાણીનું બળ વધે એટલે તેમાં તેજની પ્રાપ્તિ થાય તે માટે પણ મૌન રાખવામાં આવે છે. આ દિવસ સાધકો માટે મહત્ત્વનો ગણવામાં આવે છે. સામાન્ય રીતે ગંગા નદીમાં સ્નાન અને સૂર્યાર્ઘ્યનું ખાસ મહત્ત્વ છે ત્યારે આ દિવસે જે પણ સાધકો-શ્રદ્ઘાળુઓ હોય તેમણે નદીમાં સ્નાન કરવું જોઇએ. ખાસ કરીને ધાર્મિક દૃષ્ટિએ પણ આ દિવસ સાધના માટે મહત્ત્વનો માનવામાં આવ્યો છે, એમ શાસ્ત્રજ્ઞ કંદર્પભાઈ ત્રિવેદી જણાવી રહ્યાં છે. આ દિવસે મૌન ધારણ કરીને આદિ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવજીનાં દર્શન પણ સવિશેષ ફળદાયી બની રહે છે. ખાસ કરીને આ દિવસ પિતૃઓની કૃપા મેળવવા માટે પણ ઉત્ત્।મ દિવસ છે. માટે આ દિવસે પીપળાને જળ અર્પણ કરતાં-કરતાં પ્રદક્ષિણા કરવી જોઇએ અને દીવો કરવો જોઇએ.ઙ્ગ

શકય હોય સૂર્યોદયથી બીજા દિવસનાં સૂર્યોદય સુધીનું મૌન રાખવું જોઇએ અને મૌન સાથે ઈષ્ટદેવનાં મંત્રનો જાપ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. મન-વચન અને કર્મથી પણ કોઇનું અહિત ન થાય તેવું માત્ર એક જ દિવસ નહીં, સમગ્ર વર્ષ દરમિયાન આચાર-વિચારમાં આવી જાય, તેવો ઉચ્ચ હેતુ પણ આ મૌન અમાસ સૂચવે છે.(૨૧.૧૨)

(11:54 am IST)