Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

પ.બંગાળમાં ભાજપનું કદ વધી રહ્યું છેઃ PM તરીકે લોકો નરેન્દ્ર મોદીને પસંદ કરે છે

જો કે સીએમ તરીકે મમતા પસંદઃ સર્વે

કોલકતા, તા. ૪ :. આગામી લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં એક સર્વે કરવામાં આવ્યો છે. સર્વે દ્વારા એવું જાણવાની કોશિષ કરાઈ હતી કે મમતા બેનર્જી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા રોકી શકશે કે નહિં ? રાજ્યની જનતા આગામી વડાપ્રધાન તરીકે કોને જોવા માગે છે ? મુખ્યપ્રધાન તરીકે તેમની પસંદના નેતા કોણ છે ? ઈન્ડીયા ટુડે - એકિસસ માય ઈન્ડીયા દ્વારા આ સર્વે પશ્ચિમ બંગાળના ૪૨ લોકસભા ક્ષેત્રમાં ૨૦ થી ૨૯ જાન્યુઆરી દરમ્યાન કરાયો હતો. જેમાં ૪૬૨૦ લોકો સાથે વાત કરાઈ હતી. સર્વેના પરિણામ એવું જણાવે છે કે રાજ્યમાં ભાજપાનું કદ વધી રહ્યુ છે. અહીંની પ્રજા મોદીને આગામી વડાપ્રધાન તરીકે જોવા માગે છે. જો કે મુખ્ય પ્રધાન પદની રેસમાં મમતા બેનર્જી બહુ આગળ છે.

લોકોને પુછવામાં આવ્યું કે રાજ્ય સરકારનું કામ કેવું લાગ્યું ? આ સવાલ જ્યારે ઓકટોબર ૨૦૧૮માં પુછાયો હતો ત્યારે ૪૩ ટકા લોકો મમતા સરકારના કામકાજથી સંતુષ્ઠ હતા, જ્યારે જાન્યુઆરી ૨૦૧૯માં સંતુષ્ઠ લોકોની ટકાવારી વધીને ૪૬ ટકા થઈ છે. ઓકટોબર ૨૦૧૮માં ૩૦ ટકા લોકો તૃણમુલ સરકારથી સંતુષ્ઠ હતા. હવે તેમની સંખ્યા ઘટીને ૨૨ ટકાએ પહોંચી છે. પહેલા ૨૩ ટકા લોકોએ તેની કામગીરી ઠીક ઠીક કરી હતી હવે તેની સંખ્યા વધીને ૨૫ ટકા થઈ છે.

કેન્દ્ર સરકારની કામગીરી અંગે જ્યારે લોકોને પુછાયું તો ઓકટોબર-૨૦૧૮માં ૫૧ ટકા લોકો સંતુષ્ઠ હતા જ્યારે આ વર્ષે જાન્યુઆરીમાં તેમની સંખ્યા ૫૫ ટકા પહોંચી ગઈ છે. ઓકટોબરમાં ૨૫ ટકા લોકો અસંતુષ્ઠ હતા જે જાન્યુઆરીમાં ઘટીને ૨૩ ટકા થયા છે. ઓકટોબરમાં કેન્દ્ર સરકારની કામગીરી ઠીક ઠીક કહેનાર ૨૨ ટકા લોકો હતા હવે તેની સંખ્યા ૧૭ ટકા થઈ છે.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન તરીકે ઓકટોબર ૨૦૧૮માં મમતા બેનર્જી ૫૩ ટકા લોકોની પસંદ હતા. જે જાન્યુઆરી ૨૦૧૯માં વધીને ૫૪ ટકા થઈ ગયા છે. મમતાની લોકપ્રિયતા વધી છે. ભાજપા નેતા દિલીપ ઘોષને ઓકટોબરમાં ૧૨ ટકા અને જાન્યુઆરીમાં ૧૪ ટકા લોકોએ પસંદ કર્યા હતા. બાબુલ સુપ્રિયોએ ઓકટોબરમાં ૫ ટકા લોકો મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છતા હતા, જાન્યુઆરીમાં તે વધીને ૬ ટકા થયા છે. ટીએમસી છોડીને ભાજપામાં ગયેલ મુકુલ રોય મુખ્ય પ્રધાન તરીકે ઓકટોબરમાં ૩ ટકા લોકોને પસંદ હતા તે જાન્યુઆરીમાં ૪ ટકાએ પહોંચ્યા છે. બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને રૂપા ગાંગુલી ૨ - ૨ ટકા લોકોની પસંદ છે. મુખ્ય પ્રધાનની રેસમાં મમતા બેનર્જી પોતાના વિરોધીઓથી બહુ આગળ છે.

પશ્ચિમ બંગાળની પ્રજાને એવું પણ પુછવામાં આવ્યું કે તમે આગામી વડાપ્રધાન તરીકે કોને જોવા ઈચ્છો છો ? ઓકટોબરમાં ૪૬ ટકા લોકોની પસંદ નરેન્દ્ર મોદી હતા જે જાન્યુઆરીમાં વધીને ૪૯ ટકા થઈ ગયા હતા. ઓકટોબરમાં ૨૧ ટકા લોકોની પસંદ મમતા બેનર્જી હતા. જાન્યુઆરીમાં તેની સંખ્યા ૨૫ ટકા થઈ હતી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઓકટોબરમાં ૨૦ ટકા લોકોને પસંદ હતા પણ જાન્યુઆરીમાં તેમના ચાહકોની સંખ્યા ઘટીને ૧૫ ટકા થઈ ગઈ હતી.

(10:33 am IST)