Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મમતાના ધરણા ચાલુઃ વિપક્ષી નેતાઓ પહોંચ્યાઃ રાજ્યભરમાં આંદોલન

પ.બંગાળ સરકાર વિરૂદ્ધ સીબીઆઈ-મોદી સરકાર વચ્ચે જંગનો પ્રારંભઃ ધરણા ઉપર બેઠેલા મમતાને રાહુલ-અખિલેષ-કેજરીવાલ-તેજસ્વી યાદવ-ચંદ્રબાબુ નાયડુ સહિતના નેતાઓનું સમર્થનઃ સીઆરપીએફ એ સંભાળી કોલકતા સીબીઆઈ કચેરીની સુરક્ષાઃ સમગ્ર પ.બંગાળમાં તૃણમુલના દેખાવોઃ શેરીઓમાં ઉતર્યા કાર્યકરોઃ અનેક જગ્યાએ ટ્રેનો અટકાવી

કોલકતા, તા. ૪ :. લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં રાજકીય ઘટના ક્રમ ઝડપથી બદલાઈ રહ્યા છે. મોદી સરકાર વિરૂદ્ધ મમતા બેનર્જીનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. ગઈકાલના ઘટનાક્રમના મામલે અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના અધિકારીઓના પક્ષમાં ધરણા પર બેઠા છે જે આજે પણ ચાલુ છે. દરમિયાન સમગ્ર પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના દેખાવો થયા છે. કાર્યકરો શેરીઓમાં ઉતરી પડયા છે. ઠેર ઠેર ટ્રેનો રોકી દેવામાં આવી છે. આજે મમતા બેનર્જી જ્યાં ધર્મતલ્લા ખાતે ધરણામાં બેઠા છે ત્યાંથી જ વિધાનસભાને સંબોધન કરી રહ્યા છે.

મમતા બેનર્જીના ધરણા આજે વિપક્ષી તાકાતની એકતા બતાડવાનો મંચ પણ બનશે. અખિલેષ, તેજસ્વીએ મમતાને ટેકો જાહેર કર્યો છે તો બીજી તરફ રાહુલ ગાંધીએ પણ ફોન કરી પોતાનો ટેકો જાહેર કર્યો હતો. આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સહિતના અનેક વિપક્ષી નેતાઓ મમતાને સાથે આપવા માટે કોલકતા પહોંચી રહ્યા છે. આજે સંસદમાં પણ આ મામલે હોબાળો મચી ગયો છે.

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે સીબીઆઈની ટીમ કોઈપણ સર્ચ વોરંટ વગર રાજીવકુમારના ઘરે પહોંચી અને ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સીબીઆઈનું કહેવુ છે કે, અમે જરૂરી દસ્તાવેજો સાથે ત્યાં પહોંચ્યા હતા પરંતુ કાર્યવાહી કરવા દેવાઈ ન હતી. સીબીઆઈનું કહેવુ છે કે સ્થાનિક પોલીસે અમારા અધિકારીઓની અટકાયત કરી લીધી હતી. સીબીઆઈના કુલ ૪૦ ઓફિસરો તેમના ઘરે પહોંચ્યા હતા જેમાંથી ૫ની અટકાયત થઈ હતી. થોડી જ વારમાં મમતા બેનર્જી પણ ત્યાં પહોંચ્યા હતા અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે મીડીયા સમક્ષ મોદી સરકાર, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલને આડે હાથ લીધા હતા. ભાજપ સરકાર બદલાની કાર્યવાહી કરી રહી છે. સીબીઆઈને બરબાદ કરી નાખવા માગે છે. તેમણે મોદી સરકાર વિરૂદ્ધ જંગનું એલાન કરી દીધુ હતું.

આજે મમતા બેનર્જીના ધરણા ચાલુ છે. દરમિયાન અર્ધ લશ્કરી દળોની એક ટુકડી સીબીઆઈની કચેરી પહોંચી હતી અને ઓફિસને પોતાના કબ્જામાં લઈ લીધી હતી. દરમિયાન આજે મમતા સરકારની કાર્યવાહી વિરૂદ્ધ સીબીઆઈ સુપ્રિમ કોર્ટ જઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, કોલકતામાં રોઝવેલી અને શારદા ચીટફંડ કૌભાંડની તપાસ સાથે જોડાયેલી ફાઈલો ગાયબ થવાને લઈને કમિશ્નર રાજીવકુમારની પૂછપરછ કરવા સીબીઆઈની ટીમ ગઈ હતી. તે પછી ઘટનાક્રમ સૌની સામે છે. મમતા બેનર્જી ગઈકાલે રાત્રે ૮ વાગ્યાથી ધરણા પર બેઠા છે. તેમણે કહ્યુ છે કે, સંકટ સમાપ્ત ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે.

દરમિયાન આ મામલો બહાર આવતા તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો શેરીઓમાં ઉમટી પડયા છે. રાજ્યભરમાં સરકાર વિરૂદ્ધ અને સીબીઆઈ વિરૂદ્ધ દેખાવો કરવામાં આવી રહ્યા છે અને અનેક ટ્રેનો પણ રોકવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે.

(10:32 am IST)