Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

આચાર્ય રજનીશ સાનિધ્યમાં કેટલીક જ્યોતિર્મય ક્ષણ

પૂનમની રાત છે. નદીની રેતી પર બેઠાં છીએ. આચાર્યશ્રી કોઇ કોઇ વાર મનમાં ગણગણે છે; ખરેખર તે જ આપણી અંદર રહેલી કોઇ તૃષ્ણાનો જવાબ જ હોય છે. કદાચ આપણને તેની ખબર નથી. તે પણ તેઓ જ જાણે છે.

આજે તેમણે સહેજ જ કહેવું શરૂ કર્યું, ''હું જગતમાં વિચારોનો હાસ થઇ રહેલો જોઉં છું, વિચારનો અર્થ વિચારો નથી. વિચારોનો તો પ્રવાહ વહી રહ્યો છે. અને વિચારોમાં તે તદ્દન ડૂબી ગયો છે, તેને વિચારોમાં ડુબતો બચાવવો છે.''

કોઇએ પૂછયૂં, ''વિચાર એટલે શું ? વિચારનો શો અર્થ ?'' ''વિચારનો અર્થ છે શાશ્વત અને ક્ષણિકનો ભેદ જાણવો તે શું મર્ત્ય છે અને શું અમૃત ? શું વસ્તુતઃ છે અને શું વસ્તુતઃ નથી ? જેઓ વિચારહીન છે, તેઓ ક્ષણિકની પાછળ જીવન વ્યતીત કરે છે. અને જેઓ જાગ્રત છે તેઓ ક્ષણિક નહીં પણ શાશ્વતને શોધે છે.

''કારણ જે ક્ષણિક છે તે છે જ નહીં. વસ્તુતઃ જે શાશ્વત છે, તે જ છે, અને જે છે તેમાં જ જીવન છે. જે નથી. તેમાં કેવળ અપવ્યય અને મૃત્યુ જ છેવિચારહીન સ્વપ્નની પાછળ દોડે છે. અને સ્વપ્ન માટે ઉંઘ જરૂરીછે તેથી જ તેઓ બધી  રીતે મૂર્છા શોધે છે. મૂર્છોની શોધ અવિચારનું લક્ષણ છે.''

વિચારશીલ સત્યનું અનુસંધાન કરે છે. ખરેજ અનુસંધાન માટે ભાગવું નહીં, પણ થોભવું જરૂરી છે સૂવું નહીં, જાગવું જરૂરી છે, તેથી જ તેઓ અમૂર્છા સાધે છે. ઉંઘ નહીં. અમૂર્છિત જીવન વિચારનું પ્રતીક છે. અમૂર્છા વિચાર છે.

થોડીવાર પછી તેમણે એક દૃષ્ટાંત કહ્યું.

સિદ્ધાર્થ ગૌતમીના બારણેથી પસાર થતા હતા. તેમને જોઇ ગૌતમીએ કહ્યું, ''ધન્ય છે આવા પુત્રની માતાને. તે પિતાને ધન્ય છે જેનું આ પ્રતિબિમ્બ છે.અને તે પત્નીને પણ ધન્ય છે જેનો આ પતિ છે.

સિદ્ધાર્થે વિચાર્યું, ''આ ધન્યતા અને આનંદ તો ક્ષણિક છે. પણ ક્ષણિક ન હોય એવી કોઇ ધન્યતા છે ? એવો કોઇ માર્ગ છે. જે શાશ્વત ધન્યતા આપે ? અને જેનાથી અક્ષય શાન્તિ અને આનંદ મળે ? કારણ જે આજે છે તે કાલે નથી તે ખરેખર આજે પણ નથી.'' આને હું વિચાર કહું છું. આને હું બોધ કહું છું. આને હું વિવેક કહું છું.

જયાં વિચાર છે ત્યાં દ્વાર પણ છે. સિધ્ધાર્થના હૃદયમાં વિચારની વીજળી ઝબકી તો તેમને સ્પષ્ટ દેખાયું કે જયાં સુધીવાસના છે ત્યાં સુધી શાન્તિ ન સંભવે. તૃષ્ણાની આગ્નિ જયાં સુધી બળેછે ત્યાંસુધી સત્યની શીતળતા કેવી રીતે મળે? વિચારથી દ્વાર મળે છે અને દ્વાર મળે તો સ્વયંમાં સુખી ચેતના ગન્તવ્ય તરફ ગતિ કરવા માંડે છે.

સિદ્ધાર્થના હૃદયમાં એક અભિનવ સંકલ્પ જાગૃત થયો.''

''હું તૃષ્ણાની આગને બુઝાવીને સત્યને જાણીશ. હું ક્ષણના જીવનથી ઉઠીને શાશ્વતના દર્શન કરીશ.'' તેમણે પોતાના ગળાનો બહુ મુલ્ય હાર ઉતારીને ગૌતમીને ગુરૂદક્ષિણા આપી. તેમના જીવનમાં ખરે જ એક વળાંક આવ્યો. વિચારથી પરિવર્તન થાય છે. વિચારથી ક્રાન્તિ જાગે છે. વિચાર કરો ! તમારામાં વિચાર છે?

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:03 am IST)