Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ખેડૂતોને વર્ષે ૬૦૦૦ આપવા કેન્દ્ર સરકાર ૭૯૦૦૦ કરોડ ઊછીના લેશે

નવી દિલ્હી :લોકસભાની ચૂંટણી પૂર્વે નારાજ થયેલા ખેડૂતોને રિઝવવા માટે દર વર્ષે ૬૦૦૦નો સીધો લાભ આપતી પ્રધાન મંત્રી કિસાન સન્માન યોજનાની જાહેરાત કર્યા પછી તે માટેના જરૃરી ૭૯૦૦૦ કરોડ ઊછીના લેવાનો સરકારે નિર્ણય લેતા દેવું કરીને ઘી પીવા જેવો ઘાટ થયો છે

    . નાના અને સીમાંત ખેડૂતોને સીધો આર્થિક લાભ આપવા માટે કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં આ નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ આપવાના થતાં નાણાં મોટે જ રૃા. ૭૯૦૦૦ કરોડનું બોરોઇંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવતા નાણાં મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે ૨૦૧૯-૨૦ના નાણાંકીય વર્ષમાં સરકાર કુલ બોરોઇંગ ૭.૦૩ લાખ કરોડ (૭.૦૩ ટ્રીલિયન)નું બોરોઇંગ કરશે. તેને પરિણામે સરકારનો મૂડી ખર્ચ ગયા વર્ષની તુલનાએ બમણો થઈ ગયો છે. ગયા વર્ષે  ૩.૩૬ લાખ કરોડનો મૂડી ખર્ચ કર્યો હતો.

    બજેટમાં લેવામાં આવેલા આ પગલાંને પરિણામે આગામી નાણાંકીય વર્ષમાં કેન્દ્ર સરકારે વ્યાજ પેટે રૃા. ૨૪.૪૭ લાખ કરોડ ચૂકવવા પડશે, જે કુલ બજેટના કદની ૮૮ ટકા રકમ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિકાસ માટે મૂડી લગાવવાને બદલે સરકારે ખેરાત કરવા માટે જંગી મૂડીનો ઉપયોગ કર્યો છે. આ હકીકત દર્શાવે છે કે સરકારે મૂડી ખર્ચ માટે સરકારે પૂરતા નાણાંની ફાળવણી કરી જ નથી. ઊંચો વિકાસ દર સિદ્દ કરવા માટે મૂડીખર્ચમાં વધારો કરવો અનિવાર્ય છે.

    દેશની વધી રહેલી વસતિના આરોગ્ય માટે હોસ્પિટલ્સ, રસ્તાઓ, શાળાઓ, માળખાકીય સુવિધાઓ માટે ખર્ચ કરવો જોઈએ. આ વર્ષ ે આ ખર્ચ ઓછો થયો છે. છેલ્લા થોડા વરસથી બજેટમાં કરવામાં આવતા ખર્ચમાં મૂડી ખર્ચમાં ઘટાડો થઈને ૧૦થી ૧૨ ટકાની સપાટીએ આવી ગયો છે. થોડા વરસથી તેનો ખર્ચ દેવાનું વ્યાજ ચૂકવવામાં જ ખાસ્સો થઈ રહ્યો છે. તેથી કેન્દ્ર સરકારે વધુને વધુ નાણાં ઊછીના લેવાની ફરજ પડી રહી છે.

(12:00 am IST)