Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

નવાઝ શરીફને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવા જેલ સત્તાવાળાઓને પંજાબ સરકારનો આદેશ

શરીફને હૃદયમાં તકલીફ ઊભી થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવા જોઇએ એવું મેડિકલ ટીમે કહ્યું હતું

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને હૃદયમાં તકલીફ ઊભી થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવા જોઇએ એવું મેડિકલ ટીમે કહ્યાના થોડા દિવસો પછી જ પંજાબની પ્રાંતિય સરકારે જેલ સત્તાવાળાઓને શરીફને વહેલી તકે હોસ્પિટલમાં દાખલ કરાવવા ઓર્ડર કર્યો હતો. ૬૯ વર્ષના શરીફને અલ અઝિઝિયા સ્ટીલ મિલ ભ્રષ્ટાચાર કેસમાં સાત વર્ષની સજા થતાં તેઓ હાલમાં લાહોરની કોટ લખપત જેલમાં છે. શરીફની તબીયત જોવા ખાસ રચવામાં આવેલી મેડિકલ ટીમે તેમને હોસ્પિટલ ખસડેવા જોઇએ ત્યાર પછી આ ઓર્ડર કરાયો હતો.

જેલ સત્તાવાળાઓને મોકલેલા ઓર્ડરમાં પંજાબ સરકારે કહ્યું હતું કે શરીફની તબીયત અત્યંત ખરાબ છે. તેમને હૃદયની લગતી અનેક પ્રકારની તકલીફો ઊભી થતાં તાત્કાલિક એવી હોસ્પિટલમાં ખસેડવામાં આવે જ્યાં મલ્ટીડીસીપ્લીનેરી સારવાર અને સંભાળ મળી શકે, એમ ટીમે સલાહ આપતા કહ્યું હતું. વધુમાં ટીમે કહ્યું હતું કે શરીફને લાહોરની સર્વિસીસ હોસ્પિટલમાં ખસેડવા જોઇએ જ્યાં ઓછામાં ઓછા સમયમાં તેમની વિગતવાર સારવાર થાય અને તેની વ્યવસ્થા કરી શકાય.

શરીફને હોસ્પિટલ ખસેડતી વખતે અને તેમના રોકાણ દરમિયાન મહત્તમ સુરક્ષા વ્યવસ્થા કરવી જોઇએ, એમ ઓર્ડરમાં કહેવામાં આવ્યું હતું. પંજાબના માહિતી પ્રધાન ફયઝુલ હસન ચૌહાણે કહ્યું હતું કે શરીફને શનિવારે હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે છ સભ્યોની મેડિકલ ટીમે આપેલા અહેવાલના પગલે શરીફને હોસ્પિટલ ખસેડવાનો નિર્ણય સરકારે લીધો હતો. જો કે જેલમાં પણ તેમને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવતી હતી. પરંતુ મેડિકલ બોર્ડે ખસેડવાની સલાહ આપતાં તેમને ખસેડવા પડશે.

(12:00 am IST)