Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

બિહારમાં ટ્રેન દુર્ઘટના : સિમાંચલ એક્સપ્રેસ ખડી પડતા સાતના મોત

ઘાયલ થયેલા ૩૪થી વધુ લોકો પૈકી અનેકની હાલત ગંભીર : બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ : રેલ ટ્રેક તુટી જવાના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનો પ્રાથમિક મત : પાંચ લાખના વળતરની જાહેરાત

પટણા, તા. ૩ : બિહારના વૈશાલી જિલ્લામાં સહદોઈ બુજુર્ગ નજીક દિલ્હી જતી સિમાંચનલ એક્સપ્રેસ (૧૨૪૮૭) પાટા પરથી ઘડી પડતા મોટી ટ્રેન દુર્ઘટના થઇ હતી. હાજીપુરમાં વહેલી પરોઢે થયેલી આ ટ્રેન દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૭ યાત્રીઓના મોત થયા છે અને ૩૬થી વધુ યાત્રીઓ ઘાયલ થયા છે જે પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે જેથી મોતનો આંકડો વધવાની દહેશત દેખાઈઆ રહી છે. સિમાંચલ એક્સપ્રેસના ૧૧ કોચ આજે અકસ્માત બાદ પાટા પરથી ઘડી પડ્યા હતા જેથી પ્રવાસીઓના મોત થયા હતા. દુર્ઘટનાગ્રસ્ત વિસ્તાર ઇસ્ટ સેન્ટ્રલ રેલવેના સોનપુર ડિવિઝનના અધિકાર ક્ષેત્રમાં આવે છે જે રાજ્યના પાટનગર પટણાથ ૫૦ કિલોમીટરના અંતરે છે. ઘાયલ થયેલા તમામ લોકોને તરત જ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ટ્રેન ખડી પડવા માટેના કારણોમાં તપાસ ચાલી રહી છે પરંતુ એમ માનવામાં આવે છે કે, રેલવે ટ્રેકમાં પ્રાથમિકરીતે ક્રેક નજરે પડી છે. અકસ્માતમાં તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. સીઆરએસ ઇસ્ટર્ન ઝોનના લતિફ ખાન દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી નીતિશકુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેન દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરીને ઘાયલ થયેલા લોકોને ઝડપથી રિકવરી માટે આદેશો જારી કર્યા છે. સોનપુર ડિવિઝનથી મળેલી માહિતી મુજબ પાટા તુટી ગયા હોવાના લીધે આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ભાંગફોડની આશંકા પણ દેખાઈ રહી છે. હાજીપુર-બછવાડા રેલવે સેક્શન વચ્ચે સહદોઈ સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો પ્રચંડ હતો કે, ઘડી પડેલા કોચ એકબીજા ઉપર ચડી ગયા હતા. વહેલી પરોઢે ૩.૫૨ વાગે આ ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. જોગબનીથી નવી દિલ્હીના આનંદવિહાર ટર્મિનલ તરફ જઈ રહેલી સિમાંચલ એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. ત્રણ સ્લીપર ક્લાસ એસ-૮, એસ-૯, એસ-૧૦, એસી બી-૩ કોચ સહિત ૧૧ કોચ પાટા પરથી ઘડી પડ્યા હતા. યાત્રીઓમાં બૂમાબૂમ મચી ગઈ હતી. રેલવે મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, સાત લોકોના મોતના અહેવાલને સમર્થન મળી ચુક્યું છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે તરત હાથ ધરવામાં આવી હતી. રેલવે અકસ્માતને લઇને રેલવે દ્વારા તરત જ વળતરની જાહેરાત કરવામાં આવી હતી. મૃતકોના પરિવારને પાંચ લાખ રૂપિયા, ગંભીરરીતે ઘાયલ થયેલાઓને એક લાખ રૂપિયા અને નજીવી ઇજા પામેલા લોકોને ૫૦૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે તમામ મેડિકલ ખર્ચ રેલવે ઉપાડશે. સોનપુર અને બરોનીથી તબીબોની ટુકડી પણ તરત મોકલવામાં આવી હતી. બચાવ સામગ્રી પણ તરત મોકલવામાં આવી હતી. કેટલાક યાત્રીઓને ગંભીર ઇજા થઇ હતી. ટ્રેન અકસ્માતના કારણે હાજીપુર રુટ પરની ટ્રેન સેવા રદ કરવામાં આવી હતી. લોકોની માહિતી માટે તરત હેલ્પલાઈન નંબરો પણ જારી કરવામાં આવ્યા હતા. સહદોઈ સ્ટેશન વચ્ચે અકસ્માત થયા બાદ આ રુટ પરની તમામ પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી હતી. કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી. ડાઉન ટ્રેનોને પટણા-મોકામા-બરોની જંક્શનના રસ્તે ડાયવર્ટ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશથી છપરા જતી મુઝફ્ફરપુર-છપરાના રસ્તે ડાયવર્ટ કરવામાં આવી છે.

રેલવેમંત્રી પીયુષ ગોયેલે પણ અકસ્માત અંગે દુખ વ્યક્ત કરીને હેલ્પલાઈન નંબરોની માહિતી આપી છે. રેલવે બોર્ડના સભ્યો અને ઇસીઆરના જીએમથી સંપર્કમાં છે. ગોયેલે કહ્યું છે કે, માસુમ લોકોના મોતને લઇને તેઓ આઘાતમાં છે. મામલામાં તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ કારણો જાણી શકાશે. બચાવ અને રાહત કામગીરી ખુબ ઝડપથ હાથ ધરવામાં આવ્યા બાદ આને પૂર્ણ કરી લેવામાં આવ્યું છે પરંતુ અસરગ્રસ્ત ટ્રેક પર સમારકામને હજુ સમય લાગી શકે છે. જોગબનીથી આ ટ્રેન રવાના થઇ હતી અને પોતાના નિર્ધારિત રુટ ઉપર આગળ વધી રહી હતી.

હેલ્પલાઈન નંબર.......

પટણા, તા. ૩ : બિહારના વૈશાલી જિલ્લામાં સહદોઈ બુજુર્ગ નજીક દિલ્હી જતી સિમાંચનલ એક્સપ્રેસ (૧૨૪૮૭) પાટા પરથી ઘડી પડતા મોટી ટ્રેન દુર્ઘટના થઇ હતી. અકસ્માત બાદ હેલ્પલાઈન નંબર જારી કરાયા છે જે નીચે મુજબ છે.

સોનપુર...................................... ૦૬૧૫૮૨૨૧૬૪૫

હાજીપુર...................................... ૦૬૨૨૪૨૭૨૨૩૦

બરૌની.......................................... ૦૬૨૭૯૨૩૨૨૨

પટના........................................ ૦૬૧૨૨૨૦૨૨૯૦

................................................. ૦૬૧૨૨૨૦૨૨૯૧

................................................. ૦૬૧૨૨૨૦૨૨૯૨

         ૦૬૧૨૨૨૧૩૨૩૪

(12:00 am IST)