Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

કંટકી રાજયના લુઇવીલ ટાઉનમાં આવેલ સ્વામીનારાણ મંદિરમાં કોઇ અજાણ્યા શખ્સે દરવાજાનો કાચ તોડી તેમાં દાખલ થઇ સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિને કાળો રંગ લગાડીને કદરૂપી કરીઃ હિંદુ ધર્મ વિરોધી કાળા રંગથી સૂત્રો લખી સૌની લાગણી દુભાવીઃ સત્તાવાળાઓએ ૧૭ વર્ષના વાઇટ યુવાનની કરેલી ધરપકડ અને ન્યાયાધીશ સમક્ષ તેને રજુ કરવામાં આવશે

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ કંટકી રાજયના લુઇવીલ ટાઉનમાં આવેલ સ્વામીનારાયણ મંદિરમાં કોઇક અજાણ્યા શખ્સે આ મંદિરમાં સ્થાપના કરવામાં આવેલ સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિ પર કાળો રંગ છાંટીને તેને કાળી બનાવવામાં આવી હતી તથા મંદિરની દિવાલો પર હિંદુ ધર્મ વિરૂધ્ધ ગમે તેવા સંદેશાઓ લખીને હિંદુઓની લાગણીઓ દુભાઇ એવી કૃત્ય કરવા બદલ સમગ્ર ભારતીય સમાજ તથા તેમના પ્રત્યે સહાનુભુતિ ધરાવતા અન્ય ધર્મના વડાઓમાં તીવ્ર અસંતોષની લાગણીઓ પ્રસારી જવા પામેલ છે.

આ અંગેની વિગતમાં જાણવા મળે છે તેમ આજથી સાત વર્ષ પૂર્વે લુઇવીલ ટાઉનમાં સ્વામીનારાયણ ભગવાનના મંદિરની શરૂઆત કરવામાં આવી હતી અને તેમાં સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ટા કરવામાં આવેલી છે અને હિંદુ ધર્મના ભાઇ બહેનો સ્વામીનારાયણ ભગવાનના દર્શન કરવા જાય છે પરંતુ ગયા મંગળવાર ૨૯મી જાન્યુઆરીના રોજ મંદિરમાં જરૂરી રીપેરીંગના કામ માટે એક ભાઇ આવ્યા હતા તો તેમણે આ મંદિરના બારી બારણાં તથા અંદર જઇને જોયું તો ભારે નુકશાન થયું હોવાનું માલુમ પડતા તેણે મંદિરના વહીવટ કર્તાઓને જાણ કરતા તેઓ મંદિરે આવી પહોચ્યા હતા અને તપાસ કરતા માલુમ પડ્યું હતું કે કોઇ અજાણ્યા શખ્સે મંદિરનો દરવાજો તોડીને અંદર દાખલ થયો હતો અને સ્વામીનારાયણ  ભગવાનની જે મૂર્તિ હતી તેને પર કાળો રંગ છાંટયો હતો તથા મંદિરની દિવાલ તથા પ્રવેશ દ્વાર નજીક કાળારંગની સ્પ્રે બોટલથી ફકત જીસસજ એક ભગવાન છે બીજા કોઇ નથી તેવુ લખાણ લખવામાં આવ્યું હતું અને મંદીરમાં હરિભકતો માટે જે ખુરશીઓ મુકવામાં આવેલ છે તેને પણ કેટલેક અંશે નુકશાન પહોંચાડવામાં આવેલ અને ચપ્પુ જેવા તિક્ષ્ણ હથીયારનો તેમાં ઉપયોગ કર્યો હોવાનુ જાણવા મળે છે.

આ બનાવની જાણ લુઇ-વીલના પોલીસ વડા સ્ટીવ કોનાર્ડને થતા તેઓ પણ બનાવના સ્થળે આવી પહોચ્યા હતા અને મંદિરમાં જે પ્રમાણેનુ નુકશાન પહોચાડવામાં આવ્યું હતું તથા ધિક્કારની લાગણી ભર્યુ જે લખાણ લખવામાં આવ્યું તે પ્રત્યે તેમણે નારાજગી જાહેર કરી કહી હતી. લુઇવીલના મેયરે પણ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને તેમણે પણ સહાનુભૂતિ દર્શાવી હતી.

આ અંગે જાણવા મળેલ છે કે ૧૭ વર્ષની ઉંમરનો એક વાઇટ યુવાને આ કાર્ય કર્યુ હશે એમ માનીને તેની ધરપકડ કરેલ છે અને જયારે નામદાર ન્યાયાધીશ સમક્ષ તેને રજુ કરવામાં આવશે ત્યારે ધીક્કારનો ગુનો બને છે કે કેમ તે અંગે તેઓ નિર્ણય કરશે.

(8:44 am IST)