Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

ગાઝિયાબાદ દુર્ઘટનામાં મૃત્યુઆંક 23 : જેમના અંતિમ સંસ્કાર હતા, તેમના પુત્રનું કાટમાળમાં દબાવાથી મોત

અંતિમ સંસ્કાર વેળાએ વરસાદથી બચવા છતની નીચે ઉભા હતા : છત ધરાશાયી થતા 23 લોકોના મોત :અનેક ઘવાયા

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં મુરાદનગરમાં સ્મશાનમાં અંતિમ સંસ્કાર દરમિયાન ગેલેરીની છત પડવાથી ઘણા લોકો દબાયા હતા. તેમાં 23 લોકોના મૃત્યુ થયા છે. તો 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. આ બધા વરસાદથી બચવા માટે છતની નીચે ઉભા હતા. જે વ્યક્તિના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા, દુર્ઘટનામાં તેમના એક પુત્રનું પણ મૃત્યુ થયું છે.

સ્મશાન ઘાટ પર મુરાદનગરના ફળ કારોબારી જયરામ (65)ના અંતિમ સંસ્કાર કરવામા આવી રહ્યા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન બધા લોકો ગેટ પાસે આવેલી ગેલેરીમાં ઉભા હતા. આ દરમિયાન દુર્ઘટના થઈ હતી. અઢી મહિના પહેલા ગેલેરી બનાવવામાં આવી હતી. લોકોનો આરોપ છે કે ગેલેરી બનાવવામાં ખરાબ મટિરિયલનો ઉપયોગ થયો હતો.

જયરામના પૌત્ર દેવેન્દ્રએ જણાવ્યુ કે, જ્યારે દાદાના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા. ત્યારે વરસાદ થતા લોકો ગેલેરીની નીચે આવી ગયા હતા. આ દરમિયાન છત પડી અને ત્યાં ઉભા રહેલા લોકો દટાયા હતા. દુર્ઘટનામાં દેવેન્દ્રના કાકાનું નિધન થયુ છે. એક ભાઈ કાટમાળમાં દટાયો અને પિતા પણ ઈજાગ્રસ્ત છે.

(12:00 am IST)