Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ઈરાની જનરલ કાસીમ સુલેમાનીના મોતનો બદલો લેવા ઇરાને બગદાદમાં અમેરિકાના દુતાવાસ પર કર્યો રોકેટથી ભીષણ હુમલો : સુરક્ષાકર્મીઓને બનાવ્‍યા નિશાન : અફરાતફરીનો માહોલ : આખરે વિશ્વભરમાં જેનો ફફળાટ હતો તે થયું

બગદાદ : અમેરિકી દૂતાવાસ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકાના દૂતાવાસની અંદર રોકેટ ધમાકાથી અફરા-તફરી મચી ગઈ છે. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે, ઇરાકની રાજધાની બગદાદના ગ્રીન જોનમાં અમેરિકાના દૂતાવાસની અંદર એક રોકેટ ફાટ્યું છે. જાણકારી પ્રમાણે ઘટનામાં કેટલા લોકોને ઈજા થઈ કે મોત થયા તેનો આંકડો હજુ સામે આવ્યો નથી.

          અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધીને ખતરનાક સ્તર ઉપર પહોંચી ગયો છે. શનિવારે રાત્રે ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દુતાવાસ પર બે રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે આ હુમલો ઇરાન તરફથી કરવામાં આવ્યો છે. અમેરિકી દુતાવાસ પાસે રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. અમેરિકી દુતાવાસની નજીક અને અમેરિકન એરબેઝ પર હુમલો થયો છે. બે રોકેટ દુતાવાસની નજીક પડ્યા હતા.

          અમેરિકાની સેનાએ એક દિવસ પહેલા ઇરાની સેનાના ટોપ કમાન્ડર સુલેમાની પર હુમલો કર્યો હતો. જેમાં તેનું મોત થયું હતું. આ પછી ઇરાને ચેતવણી આપી હતી કે અમેરિકાએ આની કિંમત ચુકાવવી પડશે. આ હુમલાનો બદલો લઇશું. આ પછી અમેરિકી દુતાવાસ પર હુમલો થયો છે.

           ઉલ્લેખનીય છે કે ઈરાનની કુદ્સ ફોર્સના વડા મેજર જનરલ કાસીમ સુલેમાનીના મૃત્યુ પછી આખી દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધનો ડર વ્યાપી ગયો છે. ઇરાને અમેરિકાને ધમકી આપી છે કે હુમલાનો 'ખતરનાક બદલો' લઈશું. બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સુલેમાનીની હત્યા કર્યા બાદ ઉજવણી કરી રહ્યા છે. ટ્વિટર પર આઇસક્રીમ ખાઈ રહેલા ટ્રમ્પની તસવીર વાયરલ થઈ રહી છે. દરમિયાન, તેમણે કહ્યું છે કે 'સુલેમાનીને પહેલાંથી મારી નાંખવાની જરૂર હતી.' અમેરિકાએ સુલેમાનીને મારવા માટે 50,000 ફીટની ઉંચાઈથી ગતિવિધિઓની નિરીક્ષણ કરી શકે તેવા ડ્રોન MQ-9 રિપેરનો ઉપયોગ કર્યો હતો.

(12:04 am IST)