Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

મહારાષ્ટ્રની ઠાકરે સરકારમાં થઈ વિભાગોની વહેંચણી : અજીત પવારને નાણા અને અનિલ દેશમુખને મળ્યું ગૃહ મંત્રાલય : NCP ના ફાળે થયા મલાઈદાર મંત્રાલય : ઉદ્ધવ સરકારમાં કુલ 43 મંત્રી

મુંબઈ : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે પોતાના મંત્રીમંડળ વિસ્તાર બાદ વિભાગોની વહેંચણી કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉદ્ધવ સરકારમાં એનસીપીનાં નેતા અનિલ દેશમુખને ગૃહ મંત્રાલય અને અજિત પવારને નાણાં મંત્રાલય આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શિવસેનાનાં નેતા અને ઉદ્ધવ ઠાકરેનાં દીકરા આદિત્ય ઠાકરેને પર્યટન અને પર્યાવરણ મંત્રાલય આપવામાં આવ્યું છે. નવા મંત્રી બનાવવામાં આવેલા પૂર્વ સીએમ અશોક ચૌહાણને ઉદ્ધવ ઠાકરે સરકારમાં શહેરી વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

ગૃહમંત્રાલય સહિત તમામ મોટા મંત્રાલયો એનસીપીને આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીની સરકારનાં ગઠબંધન બાદથી જ ગઠબંધનમાં સામેલ શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની વચ્ચે વિભાગોની વહેંચણીને લઇને મથામણ ચાલી રહી હતી.

એનસીપીના નેતાઓને શું મળ્યું?

અનિલ દેશમુખ - ગૃહ વિભાગ
અજિત પવાર - નાણાં અને યોજના
જયંત પાટિલ - જળ સંપત્તિ (સિંચાઈ)
છગન ભુજબલ - ખાદ્ય અને નાગરિક પુરવઠો
દિલીપ વાલ્સે પાટીલ - આબકારી અને મજૂર
જીતેન્દ્ર અવહાદ - આવાસ
રાજેશ તોપે - આરોગ્ય
રાજેન્દ્ર શિંગને - ફૂડ એન્ડ ડ્રગ્સ
ધનંજય મુંડે - સામાજિક ન્યાય

કોંગ્રેસ નેતાઓને શું મળ્યું?

નીતિન રાઉત - ઉર્જા
બાલાસાહેબ થોરાટ - મહેસૂલ
વર્ષા ગાયકવાડ - શિક્ષા
યશોમતી ઠાકુર - મહિલા અને બાળ કલ્યાણ
કેસી પાડવી - આદિજાતિ વિકાસ
સુનિલ કેદાર - ડેરી ડેવલપમેન્ટ અને પશુ સંવર્ધન
વિજય વડ્ડેત્તીવાર - ઓબીસી કલ્યાણ
અસલમ શેખ - કાપડ, બંદર
અમિત દેશમુખ - આરોગ્ય, શિક્ષણ અને સંસ્કૃતિ

શિવસેનાના મંત્રીઓ અને તેમના વિભાગો:

આદિત્ય ઠાકરે - પર્યાવરણ, પર્યટન
એકનાથ શિંદે - નગર વિકાસ
સુભાષ દેસાઈ - ઉદ્યોગો
સંજય રાઠોડ - વન
દાદા ભુસે - કૃષિ
અનિલ પરબ - પરિવહન, સંસદીય બાબતો
સંદીપાન ભુમરે - રોજગાર (EGS)
શંકરરાવ ગદાખ - જળ સંરક્ષણ
ઉદય સામંત - ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
ગુલાબ રાવ પાટિલ - પાણી પુરવઠો

થોડાક દિવસો પહેલા જ ઉદ્ધવ સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આદિત્ય ઠાકરે સહિત અનેક મોટા નેતાઓને શપથ અપાવવામાં આવ્યા હતા. જો કે શપથ બાદથી જ વિભાગોની વહેંચણીને લઇને દળોની અંદર મંથન ચાલી રહ્યું હતુ. ઉલ્લેખનીય છે કે વિસ્તરણ બાદ ઉદ્ધવ સરકારમાં કુલ 43 મંત્રી થઈ ગયા છે.

આ દરમ્યાન મહત્વનું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે શનિવારે પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્રમાં વિભાગોના વિતરણ પર પણ ચર્ચા કરી હતી.

(11:46 pm IST)