Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

નાના માણસો માટે મોટી રાહત : 1 જુનથી સમગ્ર દેશમાં વન નેશન વન રેશન કાર્ડ કાયદો લાગુ કરશે મોદી સરકાર : 1 જાન્યુઆરીથી દેશના 12 રાજ્યોમાં આ કાયદો આવી ગયો છે અમલમાં

નવી દિલ્હી : નરેન્દ્ર મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. આ વર્ષે જૂન મહિનાથી દેશમાં વન નેશન, વન રેશન કાર્ડ સ્કીમ લાગુ થઈ જશે. 1 જાન્યુઆરી 2020થી દેશના 12 રાજ્યો આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, ગોવા, ઝારખંડ અને ત્રિપુરામાં એક રાષ્ટ્ર એક રેશન કાર્ડની સુવિધાની શરુઆત થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું હતું કે બાકી બચેલા રાજ્યોમાં પણ જૂન મહિનાથી વન નેશન વન રેશન કાર્ડ લાગુ થઈ જશે.

            વન નેશન વન રેશન કાર્ડ મોદી સરકારની મહત્વકાંક્ષી યોજના છે. જેનાથી આખા દેશમાં પીડીએસ ધારકોને દેશના કોઈપણ ખુણામાં સાર્વજનિક વિતરણ પ્રણાલીની દુકાનોમાંથી તેમના ભાગનું રાશન મળી શકશે. આ યોજનામાં પીડીએસ લાભાર્થીઓની ઓળખ તેમના આધાર કાર્ડ પર ઇલેક્ટ્રોનિક પોઇન્ટ ઓફ સેલ ડિવાઇસથી થશે. કેન્દ્રીય સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન પ્રમાણે દેશભરમાં 80 કરોડથી વધારે લોકોને સસ્તા ભાવમાં અનાજ આપે છે.

            હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજ્યમાં આ યોજના શરુ થવા પર કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને અભિનંદન આપતા કહ્યું હતું કે 1 જાન્યુઆરી 2020થી હરિયાણા સહિત 12 રાજ્યોમાં વન નેશન વન રેશન કાર્ડ લાગુ થવાથી દેશના અલગ-અલગ ભાગોમાં રોજી-રોટી કમાવવા જનાર લોકોને અનાજ લેવામાં સુવિધા થશે. આ માટે હું પાસવાનનો આભાર પ્રગટ કરું છું.

(8:19 pm IST)