Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

નાગરિકતા સંશોધીત બીલ ઉપર વિરોધ વચ્ચે પુરીના શંકરાચાર્ય નિશ્ચલાનંદ બોલ્યા...'ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષીત કરવુ જોઈએ'

દુનિયાના ૨૦૪ દેશોમાંથી કેટલાય મુસ્લિમ અને ખ્રિસ્તી રાષ્ટ્રો જાહેર થયેલા છેઃ એક પણ હિન્દુ રાષ્ટ્ર નથીઃ યુનોએ પ્રથમ તબક્કે ભારત, નેપાળ અને ભૂટાનને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા જોઈએ : જો કોઈ મુસ્લિમ પોતાને કોઈપણ દેશમાં ઉપેક્ષીત ગણતો હોય તો તેને મુસ્લિમ દેશમાં વસાવવો જોઈએ અને હિન્દુઓ જો કોઈપણ દેશમાં હેરાનગતિ અનુભવતા હોય તો તેમને હિન્દુ રાષ્ટ્રમાં પુનઃ વસવાટ આપવો જોઈએઃ પુરીમાં શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીનું તડ અને ફડ

ભૂવનેશ્વર, તા. ૪ :. નાગરિકતા સંશોધીત કાનૂન (સીએએ)ને લઈને દેશમા અલગ અલગ હિસ્સામાં વિરોધ ચાલી રહ્યો છે આ વચ્ચે પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ શુક્રવારે કહ્યુ કે ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષીત કરવુ જોઈએ. પુરીમાં ગોવર્ધન મઠમાં પોતાના નિવાસ સ્થાને પત્રકારો સાથે વાતચીત કરતા સરસ્વતીએ કહ્યુ કે, દુનિયાના કુલ ૨૦૪ દેશોમાંથી કેટલાય મુસ્લિમ અને ખ્રિસ્તી દેશો ઘોષીત થયેલા છે. જ્યારે હિન્દુઓ માટે એવો કોઈ દેશ નથી !

તેમણે કહ્યુ કે વર્તમાનમાં હિન્દુ રાષ્ટ્ર નથી એવામાં પહેલા ચરણમાં ભારત, નેપાળ અને ભૂટાનને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવુ સંયુકત રાષ્ટ્રની જવાબદારી છે. વધુમાં કહ્યુ કે બાકીના દેશોમાં હેરાન કરવામાં આવતા હિન્દુઓને આ ત્રણ દેશોમાં પુનઃ વસવાટ કરાવવો જોઈએ. શંકરાચાર્યજીએ કહ્યુ કે, કોઈ મુસ્લિમ કોઈ અન્ય દેશમાં પોતાને ઉપેક્ષીત મહેસુસ કરતા હોય અને તેઓ તે રાષ્ટ્ર છોડવા માંગતા હોય તો તેમનુ કોઈ મુસ્લિમ રાષ્ટ્રમાં પુનઃવસન કરાવવું જોઈએ.

નાગરિકતા સંશોધન કાનૂન પર પુરીના શંકરાચાર્યે કહ્યુ કે, વર્તમાન થયેલી હિંસા અને અશાંતિથી બચી શકાતુ હતુ જો આ પહેલા ઉચીત પરામર્શ, ચર્ચા અને લોકોમા જાગૃતતા લાવવા માટે જરૂરી પગલા લેવાયા હોત તો.

ઉલ્લેખનીય છે કે ઓડીશાના કેટલાક ભાગોમાં, કટક અને નિયાલી ક્ષેત્રમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. શંકરાચાર્યની ટિપ્પણી તેવા સમયે આવી કે જ્યારે કેરલમાં મુખ્યમંત્રી પીનારાઈ વિજીયનએ સીએએનો વિરોધ કરવા માટે ઓડીશા સહિત ૧૧ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો છે. નાગરિક સંશોધન અધિનિયમના સમર્થનમાં સંસદમાં મતદાન કરવાવાળા બીજુ જનતા દળએ આજે રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટરના સમર્થનમાં કહ્યુ કે આમા કંઈ પણ નથી. બીજેડીના પ્રવકતા પ્રતાપદેવએ કહ્યુ કે ૨૦૨૦ના એનપીઆર, ૨૦૧૦ના એનપીઆર જેવા જ છે. દેશના લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિ આંકલન કરવુ આવશ્યક છે. રાજ્ય સરકારોએ જિલ્લા કલેકટરોને મુખ્ય મત ગણતરી અધિકારી તરીકે ઘોષીત કરી વસ્તી ગણતરીના પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આવી જ રીતે તેમણે વધારાના જિલ્લા મેજીસ્ટ્રેટોને પણ ચૂંટણી અધિકારી તરીકે નિયુકત કર્યા છે.

(3:43 pm IST)