Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

અજીત પવાર-અશોક ચવ્હાણ બાખડી પડયા

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કોંગ્રેસમાં કોઇ નેતા જ નથી, કોની સાથે વાત કરૃં ? ખાતા માટે વારેવારે ફરી જાય છે !!: બેઠક છોડી પવાર બબડતા બબડતા ચાલ્યા ગયેલ : ચવાણ પણ ઉભા થઇ ગયા : ખાતાની ફાળવણી માટે ખડું થયું: આટલી લપડાકો લાગી, સાફ થઇ ગયા તો પણ કોંગ્રેસ વિપક્ષો સુધરતા નથી

નવી દિલ્હી, તા. ૪ : એનસીપી અને શિવસેના પોતાના કવોટામાંથી એક પણ મંત્રીપદ કોંગ્રેસ સાથે અદલ-બદલ કરવા તૈયાર નથી.

એનસીપી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલુ રહેલ વિવાદને કારણે બન્ને પક્ષના નેતાઓ મિટીંગ અધૂરી છોડી ઉભા થઇ ચાલ્યા ગયાનું પ્રસિદ્ધ થયું છે. બન્ને પક્ષોના વિવાદને કારણે પ્રધાનોના ખાતાની વ્હેંચણી પૂરી થઇ શકી નથી.

શિવસેનાના નેતા સુભાષ દેસાઇના નિવાસ સ્થાને શિવસેના-કોંગ્રેસ-એનસીપીના નેતાઓ વચ્ચે મોડી રાત સુધી મંત્રણા ચાલી હતી.

કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે ગ્રામીણ વિકાસ, સહકાર અને કૃષિમાંથી કોઇપણ એક ખાતું માગ્યું હતું. ચવ્હાણે શિવસેના અને એનસીપી સાથે ખાતાની અદલા-બદલી માટે પણ સહમતી દર્શાવેલ.

કોંગ્રેસના અશોક ચવ્હાણે મૂકેલ વાત ઉપર એનસીપીના અજીત પવારે કહેલ કે કોંગ્રેસમાં કોની સાથે વાત કરે ? કોઇ નેતા જ નથી જેથી અશોક ચવ્હાણ નારાજ થઇ ગયેલ. તેમણે કહેલ કે તેઓ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂકયા છે તેમની વાત કેવી રીતે નકારી કાઢવામાં આવે ? કે ન માનવામાં આવે ?

જેથી અજીત પવારે કહ્યું કે ખાતા ફાળવણીની આ પહેલાની બેઠકમાં કોંગ્રેસના પૃથ્વીરાજ ચવ્હાણ હાજર રહેલ ત્યારે કામ કંઇ ન કહ્યું ? હવે અશોક ચવ્હાણ નવી વાત કરે છે...

આવું કહેવા સાથે અજીત પવાર બેહદ આક્રમક થઇ ગયેલ જેથી કોંગ્રેસના અશોક ચવ્હાણે સખ્ત નારાજગી વ્યકત કરેલ. બન્ને વચ્ચે ભારે બોલાચાલી હુંસાતુંસી થયાનું અને તેનાથી અજીત પવાર બબડતા-બબડતા બેઠકમાંથી ઉભા થઇ ચાલતા થયાનું અને તેમની પાછળ એનસીપીના નેતાઓ પણ ચાલવા લાગેલ તો કોંગ્રેસના અશોક ચવ્હાણે પણ ચાલતી પકડયાનું નવભારત ટાઇમ્સના પ્રસિદ્ધ થયેલ હેવાલમાં જણાવાયું છે.

આ વાતે ભારે ચર્ચા સર્જતા અજીત પવારે ગઇકાલે સ્પષ્ટતા કરેલ કે તેની અને અશોક ચવ્હાણ વચ્ચે કોઇ જ કડવાશ નથી, ૯પ ટકા ખાતાની ફાળવણી હલ થઇ ગઇ છે,  થોડું ઘણું બાકી છે તે પણ તુરંત પૂરૃં થઇ જશે.

(10:06 am IST)