Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

મોદી કેબિનેટ -૨માં વિસ્તરણની તૈયારી ત્રણ દિવસ સુધી મેરેથોન સમીક્ષા બેઠક

દિલ્હી- બિહારની ચુંટણી અંગે મંત્રીમંડળમાં થશે મોટા ફેરબદલ

નવી દિલ્હી,તા.૪: મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળમાં મંત્રીમંડળમાં મોટા ફેરફારની તૈયારીમાં છે. મંત્રીમંડળમાં ફેરફાર માટે PMO દ્વારા તમામ મંત્રાલયોની પૂર્ણ સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. કેબિનેટ અને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજયમંત્રી ૬ થી ૮ જાન્યુઆરી સુધી સતત ત્રણ દિવસ પોતાના મંત્રાલયોના રિપોર્ટકાર્ડ રજૂ કરશે. મંત્રાલયોના સચિવોને નક્કી વિષયો પર આંકડાની સાથે પ્રેઝન્ટેશન બનાવવા માટે કહેવાયું છે.

નરેન્દ્રસિંહ તોમર, નીતિન ગડકરી, રવિશંકર પ્રસાદ અને અન્ય મંત્રીઓને વધારાનો હવાલો સોંપવામાં આવે તેવી શકયતા છે. મંત્રીઓના કાર્યની સમીક્ષા ૧૫ દિવસમાં આ બીજી વખત કરવામાં આવી રહી છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૧ ડિસેમ્બરે ૬-૬ મંત્રીઓના ગ્રુપમાં સમીક્ષા કરી હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુખ્ય પાંચ મંત્રાલયોમાં કોઈ ફેરફાર કરવો હશે તો ૧૦-૨૦ જાન્યુઆરીનો સમય યોગ્ય છે. આ પછી નાણાં મંત્રાલય સહિત અન્ય મંત્રાલયોમાં કોઈ બદલાવ કરી શકાશે નહીં. મંત્રીઓના કામની સમીક્ષા પહેલાં શુક્રવારે મંત્રીપરિષદની બેઠક થઈ હતી. આજે ૧૦ વાગે આ બેઠક થનારી છે.

વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. JDU કેન્દ્રમાં માત્ર એક મંત્રીપદ લેવાનો ઈન્કાર કર્યો હોવાથી વધુ એક નેતાને મંત્રી પદ આપવામાં આવે તેવી શકયતા છે.જદયૂની સાથે સત્ત્।ારૂઢ ભાજપ નીતિશ કુમારને મુખ્યમંત્રી પદ માટે જાહેર કરી ચૂકી છે. માનવામાં આવી રહ્યું છે કે જદયૂને એક કેબિનેટ અને બે રાજયમંત્રી પદ આપવામાં આવી શકે છે. રાજયસભાના ઉપસભાપતિ જદયૂના ડો. હરિવંશનો કાર્યકાળ એપ્રિલમાં પૂર્ણ થઈ રહ્યો છે. તેમને આ પદ પર કાયમ રાખવા માટે પણ સહમતિ બની ચૂકી છે. આ સિવાય લોકસભાના ઉપાધ્યક્ષના પદે વાઈએસઆર કોંગ્રેસને આપી શકાય છે. આ સિવાય શિવસેના દ્વારા ખાલી કરાયેલું કેબિનેટ મંત્રીનું એક પદ અન્નાદ્રમુકના ખાતામાં જઈ શકે છે.

(10:04 am IST)