Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ઇમરાન જુઠ્ઠાણું ફરી સામે આવ્યું: બાંગલાદેશના વિડિયોને યુપીનો બતાવી શેર કર્યો

CAA પર ચાલી રહેલા દેખાવો પર પોલીસની હિંસા બતાવવા માટે કર્યો હતો

નવી દિલ્હી ,તા.૪: પાકિસ્તાન ના પ્રધાનમંત્રી ઇમરાન ખાને શુક્રવારે એક મોટી ભૂલ કરી હતી. ઇમરાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોલીસ દ્વારા નાગરિકોની પિટાઇનો વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે આ વીડિયો ભારતમાં યુપીનો છે. તેણે આ વીડિયો સીએએ(CAA)પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર પોલીસની હિંસા બતાવવા માટે કર્યો હતો. જોકે થોડીવારમાં તેની પોલ ખુલી ગઈ હતી. સોશિયલ મીડિયા પર લોકોએ બતાવ્યું હતું કે આ વીડિયો બાંગ્લાદેશનો છે અને તે પણ સાત વર્ષ જૂનો છે.

કેટલાક યૂઝર્સે તો પોલીસ જવાનોની વર્દીની પાછળ લખેલા શબ્દો ઉપર પણ ઇમરાન ખાનને ધ્યાન આપવા કહ્યું હતું. યૂઝર્સે ઇમરાન ખાનને કહ્યું હતું કે ઓછામાં ઓછું વર્દી પાછળ લખેલ આરએબી વાંચ લીધું હોત. જેનો અર્થ થાય છે Rapid Action Battalion અને આ બાંગ્લાદેશની Crime અને Anti Terrorism યૂનિટ છે.

ઇમરાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક સાથે ત્રણ વીડિયો શેર કર્યા હતા. પ્રથમ વીડિયો જે શેર કર્યો હતો તે બાંગ્લાદેશનો હતો. જેમાં ઇમરાન ખાને લખ્યું હતું કે ભારતીય પોલીસનો મુસ્લિમો સામે પ્રોગ્રામ. તેના આ વીડિયો શેર કરતા જ લોકો તેની ઉપર પ્રહાર કરવા લાગ્યા હતા.

તેની ટીમને ખબર પડી કે મોટી ભૂલ થઈ છે તો ઇમરાન તરફથી આ વીડિયો હટાવી લેવામાં આવ્યો હતો. જોકે ત્યાં સુધી મોડુ થયું હતું અને સોશિયલ મીડિયા પર તેના સંબંધિત ફોટો વાયરલ થઈ ગયા હતા. પાકિસ્તાન સરકારના કોઈ નેતાએ આવી હરકત કરી હોય તેવો પ્રથમ બનાવ નથી. આ પહેલા પાકિસ્તાનના મંત્રી અને બીજા નેતા પણ ફેક વીડિયોના ચક્કરમાં પોતાની કીરકીરી કરાવી ચૂકયા છે.

(10:02 am IST)