Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ભાજપા નેતા વિજયવર્ગીયની ખુલ્લી ધમકીઃ 'સંઘના પદાધિકારીઓ અહીં હાજર છે નહિંતર ઇન્દોરને સળગાવી દેત'

કાયદેસરની કાર્યવાહી કરવાની કોંગ્રેસની માંગણીઃ વિડીઓ ભારે વાયરલઃ વિવાદના એંધાણ

ઇન્દોરઃ ભારતીય જનતા પાર્ટીના નેતા કૈલાસ વિજયવર્ગીય ફરી એકવાર વિવાદોમાં અટવાયા છે. સોશ્યલ મીડીયા પર ગઇકાલે તેમનો એક વિડીયો બહાર આવ્યો છે જેમાં તેઓ કથિત રીતે અધિકારીઓને ધમકાવતા નજર આવ્યા છે. વિડીયોમાં વિજયવર્ગીય એવું કહેતા સંભળાઇ રહ્યા છે કે સંઘના પદાધિકારીઓ અહીં છે નહીંતર તે શહેરમાં  આગ લગાવી દેત.

ભાજપા મહામંત્રીનો આ વિડીઓ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની આંતરિક બેઠકો માટે સંઘના પ્રમુખ મોહન ભાગવત અને અન્ય હોદેદારો શહેરમાં જ છે ત્યારે બહાર આવ્યો છે. નજરે જોનાર લોકોએ જણાવ્યું કે આ વિડીઓ વિજયવર્ગીયની આગેવાનીમાં ભાજપાના સ્થાનિક જનપ્રતિનિધીઓના રહેવાસી વિસ્તારમાં શુક્રવારે બપોરે કરાયેલ ધરણા પ્રદર્શનનો છે. આ દરમ્યાન વિજયવર્ગીય એ આક્ષેપ કર્યો છે કે પ્રશાસન શહેરમાં વિકાસના નામે પક્ષપાતપુર્ણ અને રાજકીય દુર્ભાવના પુર્ણ કામગીરી કરી રહ્યું છે.

આ મુદે ભાજપા નેતાઓએ પોલિસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓને સીધી ચર્ચા માટે બોલાવ્યા હતા પણ તેઓ નહોતા આવ્યા. પછીથી કેટલાક નીચલા સરકારી અધિકારીઓ પ્રદર્શનકારીઓ પાસે પહોંચ્યા તો વિજયવર્ગીયએ ઉચ્ચ અધિકારીઓના વલણ પર કડક નારાજગી પ્રગટ કરી હતી. વાયરલ વીડીઓમાં વિજયવર્ગીય એવું  કહેતા સંભળાય છે કે શું તેઓ (અધિકારીઓ) એટલા મોટા થઇ ગયા છે? શું તેમની એટલી બધી ઔકાત છે? અધિકારીઓએ સમજી લેવું જોઇએ કે તેઓ જનતાના નોકર છે.

વિફરેલા વિજયવર્ગીય આગળ કહેતા સંભળાય છે કે કોઇ પ્રોટોકોલ હોય કે નહીં, અમે સરકારી અધિકારીઓને લેખિત નિવેદન આપીએ છીએ કે અમે તેમને મળવા માગીએ છીએ. શું તેઓ અમને એટલી જાણ પણ ન કરી શકે કે તે શહેરની બહાર છે. આ અમે બિલકુલ નહીં ચલાવી લઇએ. અમારા સંઘના હોદેદારો અહીં છે, નહીંતર આજે ઇન્દોરમાં આગ લગાવી દેત.

બીજી તરફ રાજયમાં સત્તાધારી કોંગ્રેસે વાયરલ વીડીઓના આધાર પર તેમની સામે કાયદેસરની કાર્યવાહીની માંગણી કરી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા () શુકલાએ કહ્યું કે સરકારી અધિકારીઓને વિજયવર્ગીય ઉપર ગુનાહિત કેસ નોંધાવો જોઇએ.

(10:01 am IST)