Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

પાકિસ્તાન : નનકાના ગુરુદ્વારા પર જોરદાર પથ્થરબાજી કરાઈ

શીખ સમુદાયને ભગાડી મુકવા માટેની ચેતવણી : પથ્થરમારાની ઘટના બાદ હવે નનકાના સાહેબ ગુરુદ્વારાની આસપાસ મજબૂત સુરક્ષા : શીખ સમુદાયમાં ભારે દહેશત

લાહોર, તા. ૩ : પાકિસ્તાનના નનકાના સાહેબમાં આજે સેંકડોના ટોળાએ શીખના સૌથી પવિત્ર ધર્મસ્થળ પૈકી એક એવા નનકાના સાહેબ ગુરુદ્વારા પર જોરદાર પથ્થરમારો કર્યો હતો. બપોરથી જ ભીડે ગુરુદ્વારાને ઘેરી લઇને પથ્થરમારો કર્યો હતો. બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. જો કે સ્થિતિ હજુ પણ વિસ્ફોટક બનેલી છે. ઘટના સાથે જોડાયેલા એક વિડિયોમાં કટ્ટરપંથી શીખ સમુદાયના લોકોને નનકાના સાહેબથી ભગાડી દેવા અને આ પવિત્ર શહેરનું નામ બદલીને ગુલામ અલી મુસ્તફા કરવાની ધમકી આપી રહ્યા છે. કટ્ટરપંથીઓની ભીડ દ્વારા ગુરુદ્વારાને ઘેરી લેવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંદર ફસાઈ ગયા હતા. આના પરિણામ સ્વરુપે પ્રથમ વખત ગુરુદ્વારા જન્મસ્થાન નનકાના સાહેબમાં ભજન કિર્તનની કામગીરી અને અન્ય કાર્યક્રમોને રદ કરવાની ફરજ પડી હતી. ગુરુગોવિંદ સિંહના ગુરુપરબના પ્રસંગ પર અખંડ પાઠ શરૂ કરવામાં આવ્યા હતા.

             સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. ભીડનું નેતૃત્વ ગયા વર્ષે નનકાના સાહેબની એક શીખ યુવતી જગજીત કૌરનું અપહરણ કરીને બળજબરીપૂર્વક ધર્માંતરણ કરીને લગ્ન કરવાના આરોપી મોહમ્મદ હસનના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમનો આરોપ છે કે, પોતાની ઇચ્છાથી ઇસ્લામ કબૂલ કરવા અને લગ્ન કરનાર યુવતીઓને લઇને શીખ સમુદાયના લોકો દ્વારા બિનજરૂરીરીતે હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે જગજીત કૌરનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરવામાં આવ્યું હતું તે નનકાના સાહેબ ગુરુદ્વારાના ગ્રંથીની પુત્રી છે.

                અકાળી દળ દ્વારા નનકાના સાહેબ ગુરુદ્વારા પર ભીડ દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી છે. દિલ્હીના ધારાસભ્ય મનજીંદરસિંહ સિરસાએ ટ્વિટર પર હુમલાના વિડિયો શેયર કરીને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સમક્ષ તરત જ પગલા લેવાની માંગ કરી છે. સિરસાના એક અન્ય ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ગુરુદ્વારા પર હુમલો કરવામાં આવ્યા બાદ સમગ્ર પાકિસ્તાનમાં શીખ સમુદાયની વચ્ચે દહેશતપૂર્ણ માહોલ છે. કેટલાક પાકિસ્તાની શીખ તેમને ફોન કરીને ધમકીઓ આપી રહ્યા છે. પાકિસ્તાનમાં ગુરુદ્વારા જન્મસ્થાન નનકાના સાહેબ પર હુમલાના વિરોધમાં દિલ્હી સ્થિત ગુરુદ્વારા અને પ્રબંધક સમિતિ અને અકાળી દળ દ્વારા દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસની બહાર પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના નનકાના સાહેબમાં આ બનાવ એવા સમયમાં બન્યો છે જ્યારે ભારતમાં નાગરિક સુધારા કાનૂનની સામે વ્યાપક દેખાવો થઇ રહ્યા છે.

(12:00 am IST)