Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

મેરઠમાં મસ્જિદ પાસે પાક જીન્દાબાદના નારા લાગ્યા

પાક જીન્દાબાદના નારા લગાવનાર એક ઝડપાયો : અન્ય તોફાની તત્વો ફરાર : સંવેદનશીલ વિસ્તારમાં ખુબ સઘન સલામતી વ્યવસ્થા : ગુપ્તચર સંસ્થાઓ એલર્ટ ઉપર

મેરઠ, તા. ૩ : પશ્ચિમ ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં આજે એક મસ્જિદની પાસે દેશ વિરોધી નારા લગાવવાના મામલામાં એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના કહેવા મુજબ આજે જિલ્લાની તમામ મસ્જિદોમાં મજબૂત સુરક્ષા વચ્ચે શુક્રવારની નમાઝ અદા કરવામાં આવી હતી. મોટાભાગની મસ્જિદોમાં દેશમાં શાંતિ સુરક્ષા માટે નમાઝ અદા કરવામાં આવી હતી. બીજી બાજુ મેરઠના મવાના વિસ્તારમાં એક મસ્જિદની પાસે પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતા એક યુવકની ધરપકડ કરી લેવામાં આવી હતી. અજય સહાનીએ માહિતી આપતા કહ્યું છે કે, મવાના વિસ્તારમાં મસ્જિદની પાસે સ્થાનિક દુકાનદારની સૂચના બાદ એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. યુવકનું નામ અબુજર હોવાનું જાણવા મળ્યું છે. તેના ઉપર એવો આક્ષેપ કરાયો છે કે, તે પોતાના સાથીઓની સાથે અહીં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવી રહ્યો હતો. પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે, અબુજરની ધરપકડ કરી લેવામાં આવી છે

                જ્યારે તેના અન્ય સાથીઓ ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. બીજી બાજુ શુક્રવારના દિવસે અન્ય કોઇપણ જગ્યાએ કોઇ હિંસાના બનાવ બન્યા ન હતા. મેરઠની મસ્જિદો અને સંવેદનશીલ સ્થળો ઉપર મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. મેરઠમાં સૌથી સંવેદનશીલ હાપુડ વિસ્તારમાં પણ જનજીવન સામાન્ય રહ્યું હતું. પશ્ચિમી ઉત્તરપ્રદેશના સહારનપુરમાં શુક્રવારની નમાઝ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અદા કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન સંપૂર્ણ શાંતિ રહી હતી. સહારનપુરના જામા મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકોએ નમાઝ અદા કરી હતી અને મોડેથી લોકો પરત ઘરે ફર્યા હતા. ડ્રોન મારફતે સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં હાલમાં જ વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી.

(12:00 am IST)